ભરૂચ : જંબુસરમાં ખાતરની ખરીદી વેળા ખેડૂતો ભૂલ્યા સોશિયલ ડિસ્ટન્સનું ભાન, જુઓ વિડિયો..!

New Update
ભરૂચ : જંબુસરમાં ખાતરની ખરીદી વેળા ખેડૂતો ભૂલ્યા સોશિયલ ડિસ્ટન્સનું ભાન, જુઓ વિડિયો..!

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા ખેડૂતોને ખાતર વેચવામાં આવી રહ્યું છે, ત્યારે કોરોના વાયરસના વધતાં સંક્રમણ વચ્ચે ખાતર ખરીદી કરવા આવતા ખેડૂતો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા. જેમાં ખાતર ખરીદી વેળા એકબીજાની લગોલગ ઊભેલા નજરે પડ્યા હતા.

જંબુસર તાલુકામાં વરસાદના આગમન સાથે હવે ખેડૂતો ખેતીના કામમાં જોતરાઇ જવા ખાતરની ખરીદી માટે દોડધામ કરી રહ્યા છે. ખેડૂતો ખાતર ખરીદી માટે વહેલી સવારથી જ કતારો લગાવી દેતા હોય છે, ત્યારે જંબુસરમાં છેલ્લા 10 દિવસથી યુરિયા ખાતરની અછત હતી. જોકે ગતરોજ માલ આવ્યો હોવાની ખેડૂતોને જાણ થતાં જ ખાતર લેવા માટે અધીરા બની ખેડૂતોએ પડાપડી કરી હતી.

હાલ કોરોના વાયરસની મહામારી ચાલતી હોય જેથી તંત્ર દ્વારા લોકોને માસ્ક પહેરવું, ડિસ્ટન્સ જાળવવા સહિતનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. તેમ છતાંય જંબુસર તાલુકાના ખેડૂતો ખાતર લેવા માટે એકબીજાની લગોલગ ઊભા રહ્યા હતા, ત્યારે લાંબી કતારો લગાવી લોકો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

જોકે જંબુસર તાલુકા કોર્પોરેટીવ પરચેઝ એન્ડ સેલ યુનિયન દ્વારા ખાતર લેવા આવતા ખેડૂતો માટે નોટિસ બોર્ડ પર લખાણ લખવામાં આવ્યું છે કે, ખાતર લેવા આવતા તમામ ખેડૂતોએ આધાર કાર્ડ લાવવું, એક મીટરના અંતરે ઊભા રહેવું, સરકારના આદેશોનું ફરજિયાત પાલન કરવું. તેમ છતાં ખેડૂતો ખાતર લેવાની લ્હાયમાં સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હોય તેવું નજરે પડતું હતું.

Latest Stories