પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભરૂચ જિલ્લાના 1,70,141 ખેડૂત લાભાર્થીઓના બેંક ખાતામાં કુલ રૂ. 34.54 કરોડની સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે જમા કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા યોજનાનો 24મો હપ્તો આગામી 30 ઓક્ટોબર, 2026ના રોજ ગુજરાતના બનાસકાંઠા ખાતેથી યોજાનારા કાર્યક્રમ દરમિયાન પાત્ર ખેડૂત લાભાર્થીઓને ચૂકવવામાં આવશે.આ યોજના અંતર્ગત પાત્ર ખેડૂત પરિવારોને વાર્ષિક રૂ. 6,000ની નાણાકીય સહાય ત્રણ સમાન હપ્તામાં સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આર્થિક સહાય ખેડૂતોને ખેતીને લગતા ખર્ચમાં મદદરૂપ થવાની સાથે તેમની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવામાં પણ સહાયક બને છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તાના વિતરણ નિમિત્તે ભરૂચ જિલ્લામાં પણ 30 ઓક્ટોબરના રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતની દરેક બેઠક દીઠ બે સ્થળોએ તેમજ જંબુસર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લાકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જિલ્લાના વધુમાં વધુ ખેડૂત ભાઈઓ અને બહેનો આ કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લે અને યોજનાની માહિતી મેળવી તેનો લાભ લઈ શકે તે માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.