ભરૂચ: ઝઘડીયામાં પિરામિડ સિલિકા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા છોડાતા પ્રદૂષિત પાણીના જીપીસીબીએ નમૂના લીધા

New Update
ભરૂચ: ઝઘડીયામાં પિરામિડ સિલિકા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા છોડાતા પ્રદૂષિત પાણીના જીપીસીબીએ નમૂના લીધા

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે સેવાસદન સામે છેલ્લા કેટલા સમયથી પિરામિડ સિલિકા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જાહેરમાં સિલિકા સેન્ડ યુક્ત પ્રદુષિત પાણી ગેરકાયદેસર રીતે જાહેરમાં છોડવામાં આવી રહ્યું હતું. પ્લાન્ટ સંચાલક દ્વારા છોડવામાં આવતું પ્રદુષિત પાણી એટલી માત્રામાં હતું કે તે બાજુમાં વહેતી ઝઘડિયાની ખાડીમાં ભળી ગયું હતું. આ પ્રદુષિત પાણી રોજીંદુ એટલી મોટી માત્રામાં છોડવામાં આવતું હતું કે ખાડી વાટે તે પાણી બેથી ત્રણ કિમિ સુધી નર્મદા તરફ વહી ગયું છે. હાલમાં પણ આ પ્રદુષિત પાણી ખાડીમાંથી વહી રહ્યું છે. પ્રદુષિત પાણી સેવાસદનથી શાંતિનગર થઈ રેલ્વે ગરનાળામાંથી નર્મદા તરફ વહી રહ્યું છે. ઝઘડીયા નજીક અંતરિયાળ વિસ્તારમાં રહેતા સ્થાનિકો ખાડીના પાણીથી કપડાં ધોતા હતા અને પશુઓ પણ ખાડીમાં પાણી પીતા હતા. જ્યારથી પ્રદુષિત પાણી ખાડીના પાણી સાથે ભાળ્યું છે, ત્યારથી કપડાં ધોવાનું અને ઢોરોને પાણી પીવાનું બંધ થતા મુશ્કેલી ઉભી થઇ છે.publive-image

ઝઘડિયાના એક જાગૃત નાગરિક દ્વારા આ બાબતે અંકલેશ્વર જીપીસીબીમાં જાણ કરવામાં આવી હતી. જીપીસીબી દ્વારા તાત્કાલિક પિરામિડ સિલિકા ઇન્ડસ્ટ્રીઝમાં તપાસ હાથ ધરી હતી અને છોડવામાં આવી રહેલા પાણીના નમૂના લેવાયા હતા. સિલિકા પ્લાન્ટ સંચાલક દ્વારા ગેરકાયદેસર રીતે જાહેરમાં પ્રદુષિત પાણી છોડવામાં આવતા તેની સામે દંડનાત્મક કાર્યવાહીના ભણકારા વાગી રહ્યા છે. આ બાબતે જીપીસીબીના આર.બી.ત્રિવેદી સાથે ટેલિફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, પિરામિડ સિલિકા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગેરકાયદેસર રીતે પાણી છોડવામાં આવી રહ્યું હતું. આ બાબતની ફરિયાદ મળતા પ્રદુષિત પાણીના નમૂના લેવામાં આવ્યા છે. પ્લાન્ટ સંચાલક દ્વારા આ સિવાય કોઈ પણ પ્રકારની પરવાનગી પ્લાન્ટ ચલાવવા માટે લેવામાં આવી નથી જેથી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Latest Stories