/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/Untitled-1-copy-2.png)
ભરૂચ શહેરના બિસ્માર બનેલા માર્ગો નવા બનાવવાની માંગ સાથે જિલ્લાવાસીઓએ કલેકટરને કરી રજૂઆત
ભરૂચથી દહેજ સુધીનો માર્ગ ઉબડખાબડ બની જતાં સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહયાં છે. વારંવાર રજૂઆત કરવા છતાં અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નહિ હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે અને તેમાંય થોડા દિવસો પહેલા બે યુવાનોના મોત બાદ આક્રોશ જવાળામુખીમાં પરિવર્તિત થઇ ગયો છે.
દહેજ જીઆઇડીસીને ધ્યાનમાં રાખી કરોડો રૂપિયાના ખર્ચથી બનાવવામાં આવેલો રસ્તો દર ચોમાસામાં ધોવાઇ જતો હોય છે. ચોમાસાની શરૂઆતમાં પડી જતાં ખાડાઓના કારણે વાહન ચલાવવાનું પણ મુશ્કેલ બની જાય છે. દહેગામ ચોકડીથી શ્રવણ ચોકડી સુધી તથા કંથારીયાથી જંબુસર ચોકડી સુધીના વિસ્તારમાં રસ્તાના હાલ બેહાલ છે. તેમજ આ રસ્તા પર આવેલા સર્વિસ રોડ પણ ખરાબ હાલતમાં રહેલાં છે. ખરાબ રસ્તાઓના કારણે બાયપાસની આજુબાજુ રહેતા હજારો લોકો હાલાકી ભોગવી રહયાં છે. સ્થાનિક આગેવાનોએ બુધવારના રોજ રેલી યોજી તંત્રવાહકોને આવેદનપત્ર આપ્યું હતું.
તથા બાયપાસ ચોકડીનો સમગ્ર વિસ્તાર તથા બાયપાસ ચોકડીથી રેલ્વે સ્ટેશન ભરૂચ સુધીના તમામ રસ્તાઓનુ નવીનીકરણ કરવા બાબતે જિલ્લાવાસીઓ દ્વારા ક્લેકટરને અરજી આપી રજૂઆત કરી હતી. શહેરના તમામ રસ્તાઓ વરસાદ દરમિયાન ખુબજ ખરાબ થઈ ગયેલા હોય આ ખરાબ રસ્તાઓના કારણે આ વિસ્તારમાં અવારનવાર અકસ્માતો થાય છે. આ વિસ્તારમાં સ્કુલો, કોલેજો, આઇ.ટી.આઇ., હોસ્પીટલો તથા એ.પી.એમ.સી.માર્કેટ સહિતના સ્થળો આવેલાં હોવાથી રોજના હજારો લોકોની અવરજવર રહેતી હોય છે. બિસ્માર બનેલા રસ્તાઓના કારણે તેમની હાલત કફોડી બની છે. વહેલી તકે રસ્તાઓનું રીપેરીંગ કરાવવામાં આવે તેવી માંગ સ્થાનિકોએ કરી છે.