/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/02165011/maxresdefault-19.jpg)
ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં કોવીડ કેર સેન્ટરના આઇસીયુમાં લાગેલી આગમાં બે ટ્રેઇની નર્સ અને કોરોનાના 16 દર્દીઓના મોત થયાં છે. આ ઘટનામાં એક ટ્રેઇની નર્સનો બચાવ થયો છે તેણે આખી ઘટના કેવી રીતે બની તેનો ચિતાર આપ્યો છે.....
ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં શુક્રવારે મધરાતે 12.30 વાગ્યે આગ ફાટી નીકળતા 16 કોરોના દર્દી અને 2 નર્સ સહિત 18 લોકોના મોત નિપજ્યાં હતા. આ ઘટનામાં બચી ગયેલી નર્સ ચાર્મી ગોહિલે એ ગોઝારી રાતે શું બન્યું હતું તે જણાવ્યું હતું. તેના જણાવ્યાં અનુસાર શુક્રવારે રાત્રે મારી સાથે 3 સ્ટુડન્ટસની ડયૂટી હતી. રાત્રે 12.30 વાગ્યાના અરસામાં પાંચ નંબરના વેન્ટિલેટરમાં સ્પાર્ક થયા બાદ સ્ટાફમાં દોડધામ મચી હતી. જેમાં ઓચિંતી આગ શરૂ થઇ જતાં સાથી નર્સ ફરીગા ખાતુનની પીપીઇ કિટ સળગવા માંડી હતી. હું બાજુમાં જ ઊભી હોવાથી હાથથી તેની કિટની આગ ઓલવવાનો પ્રયાસ કરતા મારી કિટ પણ સળગવા માંડી હતી. સળગતી પીપીઈ કિટ ફેંકીને મેં કૉલ કરી તત્કાળ મદદ માગી હતી. અમારા બંનેની કિટમાં આગ લાગેલી જોઇને અમારી ત્રીજી સાથી નર્સ માધવી દોડી આવી હતી. માધવી અને ફરીગા બંને વોશરૂમ તરફ દોડી હતી. જ્યાં આગ પ્રસરી ગઇ હતી. આગ લાગવા સાથે અંધારપટ છવાઇ જતાં શું કરવું તેની સમજણ પડતી ન હતી. મેં બચવા માટે બહાર નીકળવા દોટ મૂકી હતી.