ભરૂચ જિલ્લામાં ચોરી, લૂંટ અને મિલકત સંબંધી ગુનાઓને નિયંત્રિત કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભંગારનો ધંધો કરતા વેપારીઓ અને ફેરી કરનારાઓ માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 163 હેઠળ આ હુકમ કરવામાં આવ્યો છે.
નિયમ મુજબ વેપારીઓએ પોતાના મૂળ વતન અને હાલના રહેઠાણનું પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (PCC) રાખવું પડશે. ધંધાના સ્થળના માલિકીના દસ્તાવેજો અથવા ભાડા કરાર સાથે જમીનમાલિકનું સંમતિપત્ર મેળવવું પડશે. તેમજ કામદારોનાં PCC અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ઓળખપત્રની નકલ જમા કરાવવાની રહેશે.આ ઉપરાંત, ભંગાર વેચનાર વ્યક્તિની ઓળખ, સંપર્ક નંબર અને વેચાયેલા માલની વિગતો ધરાવતું રજિસ્ટર નિભાવવું ફરજિયાત રહેશે. શંકાસ્પદ માલની જાણ તાત્કાલિક પોલીસને કરવી પડશે. વાહનોની ખરીદી-વેચાણ માટે અસલ RC બુક જરૂરી રહેશે અને એન્જિન તથા ચેસિસ નંબરની વિગતો પોલીસને આપવાની રહેશે.હુકમનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ભરૂચ: ભંગારના વેપારીઓ માટે PCC અને રજિસ્ટર રાખવું ફરજિયાત, તંત્ર દ્વારા જાહેરનામું બહાર પડાયુ
