ભરૂચ : ભાડભુત બેરેજ યોજનાની કામગીરીનો પ્રારંભ, માછીમારોએ કાળા વાવટા ફરકાવી કર્યો વિરોધ

New Update
ભરૂચ :  ભાડભુત બેરેજ યોજનાની કામગીરીનો પ્રારંભ, માછીમારોએ કાળા વાવટા ફરકાવી કર્યો વિરોધ

ભરૂચ જિલ્લાના ભાડભુત નજીક નર્મદા નદીમાં આકાર લેનારા વિયર કમ કોઝવેની કામગીરીનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિડીયો કોન્ફરન્સથી પ્રારંભ કરાયો છે. 5,300 કરોડ રૂપિયાના ખર્ચથી નિર્માણ પામનારા વિયર કમ કોઝવેના કારણે દરિયાના પાણી નર્મદા નદીમાં આવતાં અટકી જશે અને ખારપાટની સમસ્યાનો હલ આવશે.

ભાડભુત પાસે નર્મદા નદીમાં વિયર કમ કોઝવે બનાવવા માટે 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભુમિપુજન કરાયાં બાદ 2020માં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કામગીરીનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતને ઉત્તમ થી સર્વોત્તમ બનાવવા સાથે જળ આત્મનિર્ભર અને વોટર સરપ્લસ સ્ટેટ માટે આધુનિક તકનીક સાથે આ યોજના વર્લ્ડ ક્લાસ આઇકોનિક પ્રોજેક્ટ તરીકે ગુજરાતને વિશ્વ ફલક પર સ્થાન અપાવશે.

નર્મદા નદીના કિનારે વસેલા ભરૂચ અને અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં ભાડભુત બેરેજ યોજના મીઠા પાણી પહોચાડવા સાથે ખારાશ  આગળ વધતી અટકાવવા અને સિંચાઇ તેમજ ઉદ્યોગોની પાણીની જરૂરીયાત પુર્ણ કરશે. આ ઉપરાંત બેરેજની ઉપર સીકસ લેન રોડ બનવાના કારણે દહેજ અને હજીરા વચ્ચેના અંતરમાં 18 કીમીનો ઘટાડો થશે. દરિયામાંથી મીઠા પાણીમાં પ્રજનન માટે આવતી હિલ્સા માછલી માટે ખાસ ટનલ બનાવવામાં આવશે. 

ભાડભુત વિયર કમ કોઝવે યોજનાની કામગીરીનો મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો જયારે ભાડભુત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજયના સહકારમંત્રી ઇશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો અરૂણસિંહ રણા અને દુષ્યંત પટેલ સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.

ભાડભુત પાસે આકાર લેનારા વિયર કમ કોઝવેના કારણે દરિયામાંથી નદીમાં આવતી હિલ્સા માછલી રોકાઇ જશે અને પોતે બેકાર બની જશે તેવો ડર માછીમારોને સતાવી રહયો છે. યોજનાના ભુમિપુજન પ્રસંગે પણ માછીમારોએ નર્મદા નદીમાં બોટમાં કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો હતો. શુક્રવારના રોજ કામગીરીના પ્રારંભે પણ માછીમારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

Latest Stories