/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/14181029/maxresdefault-171.jpg)
ઔદ્યોગિક રીતે વિકસિત ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં એક એવું ગામ આવેલું છે કે, જેમાં પ્રવેશતા જ આપને આફ્રિકાના કોઈ ગામમાં ફરતા હોય તેવો અહેસાસ થવા માંડે છે. મૂળ આફ્રિકન સિદ્દી જનજાતીની વસ્તી ધરાવતા રતનપોર ગામમાં 250 જેટલા સિદ્દી કોમના લોકો રહે છે, ત્યારે વર્ષો પહેલા અનેક વિદેશીઓ ભારતમાં આવી વસ્યા હતા. ભારત દેશના જ થઈ ગયા હોય તેવી જ એક જનજાતિ એટલે સિદ્દી કોમ્યુનિટી. ગુજરાતના મીની આફિકા તરીકે ઓળખાતું અનોખું ગામ ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકામાં આવેલું છે. રતનપોર ગામમાં સિદ્દી સમાજના 250 જેટલા લોકો રહે છે. આ સમાજના લોકો અહીં કેવી રીતે આવ્યાં તેની પાછળ રસપ્રદ ઈતિહાસ જોડયોલો છે. આશરે 700 વર્ષ પૂર્વે સુદાન દેશના સરહદી ગામ સઈડીયહ ગામમાંથી શેખ મુબારકનુબી નામના બાદશાહ ભાવનગરના ઘોઘા બંદરથી અહીં આવી વસ્યા હતા. કહેવાય છે કે, શેતાનનો ખાત્મો કરવાના હેતુથી અલ્લાહ તાલાએ તેઓને કબીલા સાથે અહીં મોકલ્યા હતા, ત્યારથી જ આ જનજાતિના લોકો અહીં જ વસી ગયા છે.
રતનપોર ગામે જંગલ વિસ્તારમાં શેખ મુબારકનુબીની દરગાહ પણ આવેલી છે. જેને બાવાગોરની દરગાહ તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુ-મુસ્લિમ બિરાદરોની આસ્થાની પ્રતીક સમી આ દરગાહ પર સ્થાનિકોની સાથે અન્ય રાજ્યમાંથી પણ બિરાદરો આવી પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે માથું ટેકવે છે. રતનપોર ગામમાં સિદ્દી સમાજના લોકોના 70થી 80 ઘર આવેલા છે. તેઓ દેખાવથી સિદ્દી લાગે છે, પરંતુ તેઓની રહેણીકહેણી ગુજરાતીઓ જેવી જ છે. આમ તો તેઓ સુદાનની સુઆલી ભાષા બોલે છે. પરંતુ વર્ષોથી અહી જ રહેતા હોવાથી તેઓ ગુજરાતી ભાષા પણ ખૂબ સારી રીતે બોલી શકે છે. સિદ્દી સમાજના યુવાનો ખેતી, વાહન વ્યવહાર અને વેપારના વ્યવસાય સાથે સંકળાયેલા છે, ત્યારે ખરા અર્થમાં વિવિઘતામાં એકતા એ ભારત દેશની ઓળખ સાબિત થઈ રહી છે.