/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/07122223/maxresdefault-77.jpg)
ભરૂચ જીલ્લામાં વહેલી સવારથી છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો, ત્યારે ભરૂચ શહેરના મુખ્ય માર્ગ એવા પાંચબત્તી અને સેવાશ્રમ રોડ પર રાબેતા મુજબ પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
હવામાન વિભાગની આગાહી અનુસાર, બંગાળની ખાડીમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ભરૂચ જીલ્લામાં પણ વહેલી સવારથી જ છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી.
ભરૂચ શહેરમાં સવારથી જ વરસી રહેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. જેમાં શહેરના મુખ્ય માર્ગ એવા પાંચબત્તી અને સેવાશ્રમ રોડ ઉપર રાબેતા મુજબ પાણી ભરાઈ જતાં વાહનચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રિ-મોનસુન કામગીરીમાં કચાસ રહી ગઈ હોવાની પણ લોકોમાં રાવ ઉઠી છે.