/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/11153229/maxresdefault-127.jpg)
અંકલેશ્વરની વાલીયા ચોકડી પાસે માર્ચ મહિનામાં થયેલી 20 લાખ રૂપિયાની ચીલઝડપના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે જયારે બે આરોપી ફરાર હોવાથી તેમને ઝડપી પાડવા કવાયત ચાલી રહી છે. ચીલઝડપનું આખું કાવતરૂ શેઠની કારના ડ્રાયવરે જ ઘડી નાંખ્યું હતું.
અંકલેશ્વર ખાતે રહેતાં અનોખીલાલ જૈન તારીખ 18મી માર્ચ 2019ના રોજ પ્રતિન ચોકડી પાસે આવેલાં સિલ્વર પ્લાઝા કોમ્પલેકસમાં આવેલી વી પટેલ આંગડીયા પેઢીમાં 100 અને 500 રૂપિયાની ચલણી નોટો લેવા માટે ગયાં હતાં. આ દરમિયાન તેમની કારમાંથી 20 લાખ રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી થઇ હતી
ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ જે.એન.ઝાલા તથા તેમની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે કવાયત હાથ ધરી હતી. આ ગુનામાં અનોખીલાલ જૈનની કારનો ડ્રાયવર હરેશ પટેલ શંકાના દાયરામાં આવ્યો હતો. તેની ઘનિષ્ઠ પુછપરછ કરવામાં આવતાં તેણે પોતાને તથા મિત્રને પૈસાની જરૂરીયાત હોવાથી સુરત ખાતે રહેતાં મિત્રોની મદદથી ચીલઝડપનું કાવતરૂ ઘડી કાઢયું હતું. આ ગુનામાં હાલ પોલીસે કારના ડ્રાયવર હરેશ પટેલ સહિત સોનુંસિંહ રાજપુત, ઐયુબખાન કુરેશી અને સાદીક સૈયદની ધરપકડ કરી છે જયારે રણજીત પાસવાન અને પવન પાસવાન ફરાર હોવાથી તેમને ઝડપી પાડવાની કવાયત ચાલી રહી છે.
અનોખીલાલના ડ્રાયવર હરેશ પટેલે તેના સાગરિતોને શેઠની દૈનિક ચર્યા તથા તેમની પાસે મોટી રકમ રહેતી હોવાની ટીપ આપી હતી. સુરતથી આવેલાં સાગરિતોએ અનોખીલાલ જૈનની રેકી પણ કરી હતી. તેમણે મોપેડ અને બાઇક પર આવી ઓફિસ સહિતના સ્થળોએ વોચ ગોઠવી હતી. બનાવ પહેલા અને પછી હરેશ પટેલ અને સાગરિતો ભેગા થયાં હતાં. 20 લાખ રૂપિયાની આરોપીઓએ વહેંચણી કરી નાંખી હોવાથી રૂપિયા કયાં વાપર્યા સહિતની વિગતો મેળવવા પોલીસ આરોપીઓની પુછપરછ કરી રહી છે.