ભરૂચમાં દશામાના વિસર્જન સ્થળેથી એકત્ર કરાયો ૧૩ ટન જેટલો પૂજાપો

New Update
ભરૂચમાં દશામાના વિસર્જન સ્થળેથી એકત્ર કરાયો ૧૩ ટન જેટલો પૂજાપો

ભરૂચમાં બે કાંઠે વહેતી થયેલી નર્મદા નદીના માહોલમાં રવિવારે મા દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. કલીન ભરૂચ કલીન નર્મદાની ટીમના સભ્યોએ વિસર્જન સમયે હાજર રહી પ્રતિમાઓના વિસર્જનની સાથે નદીમાં ભળતાં પૂજાપાને અટકાવ્યો હતો. વિસર્જન સ્થળેથી 13 ટનથી પણ વધારે પૂજાપો આસ્થા અને શ્રધ્ધા સાથે એકત્ર કરવામાં આવ્યો હતો.

રવિવારે સવારે ભાવિક ભકતોએ મા દશામાની પ્રતિમાઓનું નર્મદા નદીના પાવન નીરમાં વિસર્જન કર્યું હતું. ડેમમાંથી પાણી છોડાઇ રહયું હોવાથી નદી બે કાંઠે વહી રહી હોવાથી વહીવટી અને પોલીસતંત્ર તરફથી તકેદારીના પુરતા પગલા લેવાયાં હતાં. પ્રતિમાઓની સાથે પૂજાપો નદીમાં જતો અટકાવવા માટે કલીન ભરૂચ કલીન નર્મદાની ટીમ છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે. જયકિશનસિંહ પરમારની આગેવાનીમાં સંસ્થાના સ્વયં સેવકો વિસર્જનના સ્થળે હાજર રહયાં હતાં. માતાજીની પ્રતિમાઓનું વિસર્જન કરવા માટે આવતાં શ્રધ્ધાળુઓ પાસેથી હાર સહિતનો પૂજાપો એકત્ર કરાયો હતો. આ પૂજાપાના કારણે નદીને પ્રદુષિત થતી અટકાવવા માટે અભિયાન ચલાવવામાં આવી રહયું છે. ટીમ સીબીસીએનની સાથે બીએનએસના કાર્યકરો પણ જોડાયાં હતાં. શ્રધ્ધાળુઓ પાસેથી આશરે ૧૩ ટનથી વધારે પૂજાપો એકત્ર કરાયો હતો. હવે તેનો વૈજ્ઞાનિક ઢબથી નિકાલ કરાયો હતો.

Latest Stories