/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/05/9283c03f-3f98-4044-82bc-38d0caff6b00.jpg)
નિર્ભયા સ્કીમ હેઠળ મહિલાઓની સુરક્ષા માટે બસોમાં સીસીટીવી કેમેરા, ઇમરજન્સી બટન અને જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવશે. આ અંગે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે બસોમાં આ સુવિધા ટૂંક સમયમાં જ ઉપલબ્ધ થશે.
મહત્વપૂર્ણ છે કે નિર્ભયા ફંડનો ઉપયોગ કરીને આ સુવિધા પુરી પાડવામાં આવશે. સરકારે 2013ના યુનિયન બજેટમાં 10 બિલિયનની રાશી નિર્ભયા ફંડ તરીકે ફાળવી હતી. જેનો મહિલાઓની સુરક્ષા, તેમની ગરિમા અને આત્મસન્માનની રક્ષા માટે ઉપયોગ કરવામાં આવશે.
મહિલાઓ માટે સરકાર દ્વારા લેવાયેલું આ એક મહત્વપૂર્ણ પગલું છે. જોકે, મહિલાઓને સુરક્ષિત રાખવાની ફરજ માત્ર સરકારની નથી. 2012ની 16મી ડિસેમ્બરે ચાલુ બસમાં નિર્ભયા સામૂહિક બળાત્કાર થયો તે સરકારી માણસો નહોતા. બળાત્કારીઓ સરકારી માણસો નહી પણ આ સમાજમાંથી જ આવતા સામાન્ય લોકો હોય છે.
સમસ્યાનું સમાધાન શોધવા માટે પહેલા સમસ્યાને સમજવી પડે અને સમસ્યા એ છે કે આપણા દેશમાં મહિલાઓને માનની નજરે જોવામાં આવતી નથી. બળાત્કારના કિસ્સાઓ છાપામાં વાંચીને સરકાર પર કે પોલીસ તંત્ર પર સુરક્ષાના અભાવનો બળાપો કાઢતા લોકો સમાજમાં સુધારા માટેનો પ્રયાસ કરતા નથી.
કેટલા લોકો પોતાના દીકરાઓને શીખવે છે કે સ્ત્રી કોઇ વસ્તુ કે સાધન નહી પણ એક માનવી જ છે? તેનું પોતાનું એક અસ્તિત્વ છે. કેટલા મા-બાપ શીખવે છે કે કોઇપણ સ્ત્રીને ખરાબ દ્રષ્ટિથી ન જોવુ જોઇએ.તેમજ તેની પસંદ અને નાપસંદને માન આપવું જોઇએ.
હંમેશાથી કળયુગ છે, જમાનો ખરાબ છે તેવું રટણ રટતા લોકો જાણતા નથી કે આ જમાનામાં તેઓ જ રહે છે. કોઇ રાક્ષસો નહી! પણ પોતે તો સારા જ છે જમાનો ખરાબ છે! નિર્ભયાના મિત્રએ એક સમાચારપત્રને જણાવ્યું હતું કે શિયાળાની કડકડતી ઠંડીમાં તેઓ અર્ધવસ્ત્રોમાં દિલ્હીમાં સડક કિનારે દર્દથી કણસી રહ્યા હતા પરંતુ 1 કલાક સુધી કોઇએ તેમની મદદ કરી નહી. તે જ લોકો નિર્ભયાના મોત બાદ તેને ન્યાય અપાવવા માટે કેન્ડલ માર્ચ યોજે તેનો શો અર્થ?
એક સારા અને શ્રેષ્ઠ સમાજની રચના કરવી તે દરેક નાગરિકની ફરજ છે. પોલીસ અને સરકાર માત્ર તેનું રક્ષણ કરે છે, સર્જન તો આપણે કરવાનું છે.
રાત્રે બહાર મોડા સુધી ફ્રેન્ડ સાથે લોન્ગ ડ્રાઇવ પર કે ફિલ્મ જોવા જતી છોકરીઓ કે મહિલાઓને નિમ્ન નજરથી જોવામાં આવે છે. કેમ એક છોકરીને પોતાના જીવનનો આનંદ માણવાનો હક નથી? રાત્રે બહાર નીકળે એટલે તે ખરાબ છે?વધુ માં જ્યાં સુધી માણસ ની નજર,વાણી,વિચારો અને સંસ્કારો માંથી નગ્નતા નહિ જાય ત્યાં સુધી સમાજ માં સ્ત્રીઓ પ્રત્યે હવસખોરો ક્યારે પણ સારી ભાવના કેળવી શકશે નહિ.