મિત્રના પ્રેમપ્રકરણના સમાધાનમાં ગયેલા યુવકની હત્યાના મામલે ૪ ઝડપાયા

New Update
મિત્રના પ્રેમપ્રકરણના સમાધાનમાં ગયેલા યુવકની હત્યાના મામલે ૪ ઝડપાયા

મિત્રના પ્રેમપ્રકરણના સમાધાનમાં ગયેલા જમુનાપાર્કના યુવકને સમાધાન બાદ બે શખ્સોએ પીછો કરી છરીનો છૂટો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. હત્યારા વધુ ઘા ઝીંકશે તેવા ભયથી યુવક મિત્રો સાથે બાઇકમાં ભાગ્યો હતો, પરંતુ કુવાડવા રોડ પર ધોળકિયા સ્કૂલ નજીક ઢળી પડ્યો હતો. પોલીસે હત્યારાઓની શોધખોળ શરૂ કરી હતી.

મોરબી રોડ પરના જમુનાપાર્કમાં રહેતા કિશન ધીરૂભાઇ જાદવાણી (ઉ.વ.21) સોમવારે સાંજે તેના મિત્રના પ્રેમપ્રકરણમાં ચાલતા વિવાદના સમાધાન માટે તેના બે મિત્ર જતિન ગોહેલ અને ચિરાગ ગોહેલ સાથે કુવાડવા રોડ પર રણછોડદાસબાપુના આશ્રમ નજીક નાગબાઇ પાન નામની દુકાન પાસે ગયો હતો. સાંજે સાતેક વાગ્યે યુવતીના પરિવારજનો અને કિશનના મિત્ર પક્ષ વચ્ચે પ્રેમપ્રકરણના મુદ્દે ઉગ્ર ચર્ચા બાદ સમાધાન થઇ ગયું હતું.

સમાધાન થતાં કિશન તેના બંને મિત્રો સાથે મોરબી રોડ પર તેના ઘરે જવા નીકળ્યો હતો. ટ્રિપલસવારી બાઇકમાં કિશન સૌથી પાછળ બેઠો હતો. ત્રણેય મિત્રો કુવાડવા રોડથી એંસી ફૂટ રોડ પર પહોંચ્યા હતા ત્યારે પાછળથી ડબલસવારી બાઇક ધસી આવ્યું હતું અને બાઇક ચાલકે સામું કેમ જોતો હતો તેમ કહી કિશનને ગાળો ભાંડી હતી, કિશને પણ ગાળથી વળતો જવાબ આપ્યો હતો. ચાલુ બાઇકે જ પાછળ બેઠેલા અજાણ્યા શખ્સે છરીનો છૂટો ઘા ઝીંકતા કિશનના વાસાના ભાગે છરી લાગી હતી અને છરી નીચે પડી ગઇ હતી. ઘા કરનાર શખ્સે બાઇકમાંથી નીચે ઉતરી છરી ઊંચકતાં વધુ ઘા ઝીંકાશે તેવા ભયથી જતિન ગોહેલે બાઇક હંકારી મૂક્યું હતું અને હુમલાખોર બંને શખ્સો પણ ત્યાંથી નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા કિશને પોતાને હોસ્પિટલે લઇ જવાનું કહેતા તેના મિત્રો મોરબી રોડ પર હોસ્પિટલે જવા નીકળ્યા હતા, પરંતુ કુવાડવા રોડ પર આવેલી ધોળકિયા સ્કૂલ પાસે પહોંચતા જ કિશને પોતાને ચક્કર આવતા હોવાનું કહ્યું હતું અને તે સાથે જ તે બાઇક પરથી નીચે પટકાયો હતો. પટકાયા બાદ કિશન બેભાન થઇ જતાં તાકીદે 108ને બોલાવાઇ હતી, પરંતુ 108ના ડોક્ટરે કિશનને મૃત જાહેર કરતાં બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં પોલિસે ગણતરીની કલાકોમા આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી ગુનાના કામે વપરાયેલ છરી પણ કબ્જે કરી છે. તો સાથો સાથ આરોપીઓના રીમાન્ડની માંગણી સાથે તેમને કોર્ટમા પણ રજુ કરવામા આવ્યા છે.

પકડાયેલ આરોપીઓના નામ

રાકેશ ઉર્ફે લાલો

ધર્મેશ ઉર્ફે ધમુ

તેમજ બે અજાણ્યા શખ્સો

ઉલ્લેખનીય છે કે, પકડાયેલ ચાર આરોપીઓ પૈકી ધર્મેશ ભુતકાળમા પોલિસ ચોપડે ચડી ચુક્યો છે. પ્રોહિબિશનના ગુના આચરવાની ટેવ વાળો પણ હોવાનુ જાણવા મળ્યુ છે. ભલે પોલિસે ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી હોઈ. પરંતુ કિશનના પરિવારને પોતાનો વહાલસોયો દિકરો ગુમાવવાનો વારો આવ્યો છે.

Latest Stories