-- મુસ્લિમો માટે મંદિરમાં યોજી ઈફ્તાર પાર્ટી
હાલમાં રમઝાન મહિનામાં ઈફ્તાર પાર્ટીની સિઝન ચાલી રહી છે ત્યારે આ બધાથી હટીને એક અનોખી ઈફ્તાર પાર્ટી રવિવારે લખનૌમાં યોજાવા જઈ રહી છે. લખનૌના સૌથી જૂના મંદિરો પૈકીના એક મનકામેશ્વર મંદિરમાં મુસ્લિમો માટે ઈફતાર પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યુ છે.
આ પાર્ટી મંદિરના ઉપવન ઘાટ પર યોજશે. જ્યાં રોજ મહિલા પૂજારી દ્વારા ગોમતી આરતી કરવામાં આવે છે. ઈફ્તાર પાર્ટી માટે લગભગ ૫૦૦જેટલા લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. રોઝા રાખનારાઓને કોફી, બ્રેડ, વેજ કટલેટ, મિઠાઈ, ફળ તેમજ બીજી વાનગીઓ પીરસવામાં આવશે.
આ પાર્ટી માટે મંદિર દ્વારા શિયા સુન્ની સંપ્રદાયના ધર્મગુરુઓને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે. મનકામેશ્વર મંદિરનો ઈતિહાસ બહુ જૂનો છે. એવુ કેહવાય છે કે ભગવાન રામના ભાઈ લક્ષ્મણ આ મંદિરમાં પૂજા પાઠ કરતા હતા. આ પહેલા અયોધ્યાના સરયુ કુંજ મંદિરમાં પણ મુસ્લિમો માટે ૪જૂને ઈફ્તાર પાર્ટીનુ આયોજન કરાયુ હતુ.