/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/caeb537b-3c3d-45df-af74-1f88021e89c7.jpg)
સૌરાષ્ટ્રમાં લેડી ડોન તરીકે કુખ્યાત સોનુ ડાંગરને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ દ્વારા તેના ઘરે થી એક પિસ્તોલ અને 18 જીવતા કાર્ટીસ સાથે ઝડપી લેવામાં આવી હતી.
સૌરાષ્ટ્રભરમાં લેડી ડોન તરીકે કુખ્યાત અને અગાઉ અનેક ગુના ઓમાં પોલીસ ચોપડે ચડી ચુકેલી સોનુ ડાંગરને પિસ્તોલ તેમજ જીવતા કારતુસ સાથે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે દબોચી લીધી હતી.
ગાંધીગ્રામ વિસ્તારમાં તેના ઘરે પોતાની પાસે હથિયાર રાખતી હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને દરોડા દરમિયાન તેની પાસેથી એક પિસ્તોલ અને 18 જીવતા કાર્ટીસ મળી આવતા કબ્જે કરી તેની ધરપકડ કરવામાં આવી હતી.
સોનુ ડાંગર અગાઉ મારામારી, ખંડણી ઉઘરાવવી, ફાયરિંગ સહિતના અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકી છે.રૈયા રોડ ઉપર મોબાઈલના ધંધાર્થી ઉપર ફાયરિંગનો ગુનો આચરી સોનુ ડાંગર અજમેર તરફ નાસી છૂટી હતી. ત્યાર બાદ તેનો અકસ્માત થતા પોતે પોતાનું નામ બદલાવીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ હતી અને સારવાર લીધી હતી.
જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી સોનુ ડાંગરને જીવનદાન મળ્યુ હતુ પરંતુ ચાલવા માટે પણ પોતાને લાકડીનો ટેકો લેવો પડી રહ્યો છે. પોતાની ધાક જમાવી પૈસા પડાવવા માટે ગુનાખોરીના રવાડે ચડેલી સોનુ ડાંગરે હથિયાર કોની પાસેથી લીધુ હતુ અને હથિયારનો પોતે શું ઉપયોગ કરવાની હતી તે સહિતના મુદ્દે પોલીસ દ્વારા સોનુ ડાંગરની સઘન પુછતાછ કરવામાં આવી રહી છે.