/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/maxresdefault-17.jpg)
રાજકોટ માંથી ઝડપાયેલા D ગેંગના ચાર શાર્પશૂટરોની ઊંડાણ પૂર્વક પોલીસ તપાસ દરમિયાન વધુ ચોંકાવનારી હકીકતો બહાર આવી રહી છે.જેમાં પોલીસે આ ગેંગ સાથે સંકળાયેલ બે મહિલાઓ સહિત છ આરોપીઓની મુંબઈ થી ધરપકડ કરી છે.
જામનગરના વેપારી અસ્ફાક ખત્રીની હત્યા માટે દાઉદના ભાઈ અનીસે મુંબઈના રામદાસ રહાણેને સોપારી આપી હતી.જે મામલે ચાર શાર્પ શૂટરને રાજકોટથી ઝડપી લેવામાં આવ્યા હતા. ચારેય શાર્પશૂટરને રિમાન્ડ દરમ્યાન રાજકોટ પોલીસ તપાસ માટે નાસિક અને મુંબઈ લઇ ગઈ હતી. જ્યાંથી પોલીસે વધુ છ આરોપીઓને અટકાયત કરી રાજકોટ લઇ આવ્યા હતા.
મુંબઈથી ઝડપાયેલી બે યુવતીઓમાં રિઝવાના શેખ અને અશ્વિની રામચંદ્ર રણીત પણ હત્યાના કાવતરામાં સામેલ છે અને અનીસ ઈબ્રાહીમ સાથે સીધો સંપર્ક ધરાવે છે. તો અન્ય ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે.જેમાં રવી પુજારીની ગેંગનું પણ નામ સામે આવ્યુ છે. અનીસનો સાગરિત રામદાસ રહાણેને રવી પુજારી ગેંગનો સાગરિત યુસુફ બીચકાના માણસો પુરા પડતો હતો. યુસુફ બીચકાના કર્નાટકની ધારવાર જેલમાં સજા કાપી રહ્યો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.
યુસુફે રામદાસને હત્યા માટે વિનોદ, રાહુલ અને સચિન નામના માણસો આપ્યા હતા.મહત્વની વાત એ છે કે રવિ પુજારી અને અનીસ ઈબ્રાહીમની ગેંગના માણસોએ સાથે મળીને જામનગરના વેપારી અસ્ફાક ખત્રી ની હત્યા કરવાનું નક્કી કર્યું હતુ.તો બીજી તરફ એક સલીમ ચિપલુંટકર નામના વ્યક્તિનું નામ પણ સામે આવ્યું છે. સલીમ ચિપલુંટકર અનીસ ઈબ્રાહીમનો સાગરિત છે અને સલીમ ચિપલુંટકર પાકિસ્તાનથી તમામ અપડેટની આપલે કરતો હતો.
જે રીતે રાજકોટ પોલીસે ત્રણ દિવસ મુંબઈમાં તપાસ બાદ અન્ય ચાર લોકોની ધરપકડ કરી છે ત્યારે સમગ્ર કેસમાં કુલ 10 આરોપીઓની ધરપકડ થઇ છે તો અન્ય સલીમ ચિપલુંટકર, યુસુફ બીચકાના, અનીસ ઈબ્રાહીમ સહિતના અન્ય ૫ આરોપીઓને હજી પોલીસ પકડવાની તજવીજ હાથ ધરી છે. જોકે દાઉદના ભાઈ અનીસનું નામ સામે આવતા હવે દેશની અન્ય સુરક્ષા એજન્સીઓ પણ તપાસમાં જોડાશે અને આરોપીઓ સુધી પહોંચવાની કાર્યવાહી તેજ કરશે. તો બીજી તરફ રાજકોટ પોલીસ સમગ્ર કેસમાં ધરપકડ કરેલા આરોપીઓની વધુ પૂછપરછ કરી અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેવા મુદ્દાઓ પર વધુ તપાસ હાથ ધરી છે.