/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/10/sddefault-2.jpg)
ગરબે રમતી બાળાઓ ને સામાન્ય રીતે આપણે તાલીરાસ કે દાંડિયા રાસ રમતા જોઈ હશે. તેમજ હવે તો નાની બાળાઓ ડાન્સ ક્લાસીસમાં પણ આધુનિક ગરબાના સ્ટેપ શીખીને ગરબે રમે છે. પરંતુ રાજકોટ રણજીત વિલાસ પેલેસમાં ક્ષત્રિય સમાજની દીકરીઓ હાથમાં તલવાર લઈને ગરબે રમી સૌને મંત્ર મુગ્ધ કરી રહી છે.
આમતો નવરાત્રિ એટલે માતાની આરાધના કરવાના દિવસો છે. ત્યારે નવરાત્રિના આ નવ દિવસોમાં માઈ ભક્તો ગરબે રમી માતાની પૂજા, અર્ચના અને આરાધના કરતા હોઈ છે.
ત્યારે રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં પણ માતાજીની આરાધના કરવા અને ક્ષત્રિય સમાજની એક પરંપરા મુજબનો તલવાર રાસ રમવામાં આવે છે. ક્ષત્રિય મહિલા મંડળ અને ભગીની સેવા ટ્રસ્ટ ફાઉન્ડેશન દ્વારા રાજપુત સમાજની નાની બાળાઓને તલવાર રાસ શીખવાડવામાં આવે છે અને આ બાળાઓ દ્વારા નવરાત્રિમાં ખાસ તલવાર રાસ રજુ કરવામાં આવે છે.
સામાન્ય રીતે નાની બાળાઓ દ્વારા તાલી રાસ કે પછી દાંડીયા રાસ રમવામાં આવતો હોઈ છે પરંતુ અહી તલવાર રાસ સૌ કોઈ માટે આકર્ષણ ભર્યો રાસ સાબિત થઇ રહ્યો છે. રાજપુત સમાજની બાળાઓ દ્વારા બંને હાથમાં તલવાર લઈને રાસ રમવામાં આવે છે અને આ બાળાઓ એક, બે નહિ પરંતુ સતત ત્રણ કલાક સુધી એકધારી તલવાર ફેરવી શકે છે.
ક્ષત્રિય સમાજમાં તલવાર અને તેના રાસનું એક અલગ જ મહત્વ છે જે લુપ્ત થઇ રહ્યુ છે અને તેને ટકાવી રાખવા માટે છેલ્લા ૮ વર્ષેથી પેલેસમાં તલવાર રાસ રમવામાં આવે છે. નવરાત્રિ પર માં જગદંબા આરાધન કરવામાં આવે છે અને તલવાર તેનું પ્રતિક ગણાય છે.ત્યારે તલવાર થકી માંની આરાધના કરવામાં આવે છે.
તો બીજી તરફ તલવાર રાસમાં કેસરી કલરના વસ્ત્રો પહેરવામાં આવે છે જે ભૂતકાળમાં રજપૂતો દ્વારા યુદ્ધ લડયા હતા તે સમયે તેવો કેસરી કલરના જ વસ્ત્રો પહેરવામાં આવતા હતા અને તેના બલિદાન માટે આજે પણ કેસરીયો ડ્રેસ પહેરીને તલવાર રાસ રમવામાં આવે છે.