રાજકોટમાં માતાની નજર સામે ૫૭ વર્ષના પૌઢે ૫ વર્ષની બાળકી પર આચરાયું દુષ્કર્મ

રાજકોટમાં માતાની નજર સામે ૫૭ વર્ષના પૌઢે ૫ વર્ષની બાળકી પર આચરાયું દુષ્કર્મ
New Update

રાજકોટ શહેરમાં બાળકી પર દુષ્કર્મની વધુ એક અરેરાટીભરી ઘટના બની છે. આજી ડેમ વિસ્તારમાં રહેતા ૫૭ વર્ષના નરાધમે ૫ વર્ષની બાળકીને નિશાન બનાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. હવસખોર કૃત્ય આચરી રહ્યો હતો ત્યારે જ બાળકીની માતા આવી પહોંચી હતી અને તે પુત્રી સાથે થઇ રહેલા અત્યાચારને જોઇ સ્તબ્ધ થઇ ગઇ હતી.

આજી ડેમ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા પરપ્રાંતીય પરિવારની પાંચ વર્ષની પુત્રી ઘરની બહાર રમવા નીકળી હતી. માસૂમ પુત્રી ઘર પાસે રમી રહી હશે તેવું માની તેની માતા ઘરકામમાં વ્યસ્ત હતી. મહિલાને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે તેની માસૂમ પુત્રી નરાધમનો શિકાર બનશે. મહિલા કામમાં વ્યસ્ત હતી તે વખતે તેના મકાનમાલિક દોડી આવ્યા હતા અને તેમણે બાળકી સાથે અપકૃત્ય થઇ રહ્યાની જાણ કરતાં જ મહિલા પાડોશમાં રહેતા ૫૭ વર્ષના બિહારી સુદામા ચૌધરીના ઘરે પહોંચી ત્યારે તેની ફૂલ જેવી પુત્રી પીંખાઇ રહી હતી.મહિલા બાળકીને નરાધમના સકંજામાંથી છોડાવીને લઇ ગઇ હતી. પુત્રી સાથે બનેલી અઘટિત ઘટનાથી મહિલાને એેટલો આંચકો લાગ્યો હતો કે શું કરવું તેનો તેને ખ્યાલ રહ્યો નહોતો અને આખીરાત ગુમસુમ અવસ્થામાં કાઢી હતી. શુક્રવારે સવારે બાળકીને ગુપ્ત ભાગેથી લોહી નીકળતા તેમજ ખૂબજ બળતરા થતાં તેને હોસ્પિટલે લઇ જવાઇ હતી. બાળકીના પાડોશમાં જ રહેતા પ્રૌઢ સુદામા ચૌધરીએ બાળકીને પોતાના ઘરે નાસ્તો અને ચલણી નોટ બતાવી બોલાવી હતી અને બાદમાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ તાકીદે આરોપીને દબોચી લીધો હતો. ઘટનાની જાણ થતાં આજી ડેમ વિસ્તારના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને નરાધમ પ્રૌઢનું જાહેરમાં સરઘસ કાઢવા તેમજ લોકોને હવાલે કરી દેવા માગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે,પરપ્રાંતીય પરિવાર ભાડાના મકાનમાં રહે છે, મકાનમાલિકે બાળકીની માતા પાસે જઇ તેમની પાંચ વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ આચરાઇ રહ્યાની જાણ કરી હતી અને પ્રૌઢનો ભાંડો ફૂટી ગયો હતો. જોકે સુદામા ચૌધરી અને બાળકીનો પરિવાર બાજુમાં જ રહેતો હોવાથી બાળકીને અગાઉ પણ અનેક વખત સુદામા ચૌધરીએ શિકાર બનાવ્યાની શંકા સેવાઇ રહી છે.

રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ મહિનામાં ચાર બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. ચુનારાવાડ વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકીને નરાધમ રિક્ષાચાલકે ઉઠાવી જઇ તેના પર બે વખત દુષ્કર્મ આચર્યા બાદ બાળકીની હત્યા કરી નાખી હતી. બીજી ઘટનામાં કાલાવડ રોડ પરના આવાસ ક્વાર્ટર્સમાં 5 વર્ષની બાળકી પર ફરસાણના વેપારીએ દુષ્કૃત્ય આચર્યું હતું. ત્યારબાદ ભરવાડ શખ્સે બાળકીને શિકાર બનાવી હતી અને ચોથા કિસ્સામાં આજી ડેમ વિસ્તારમાં ૫૭ વર્ષના પ્રૌઢે પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article