રાજકોટમાં મોડી રાત્રે આંગડિયાના કર્મચારીને પછાડી 20 લાખની લૂંટ

રાજકોટમાં મોડી રાત્રે આંગડિયાના કર્મચારીને પછાડી 20 લાખની લૂંટ
New Update

મીનના મુદે્ ત્રણ બાઈક પર ખૂની હુમલો કરનાર લુખ્ખા શખ્સોની સરભરા કરીને ક્રાઈમ બ્રાન્ચ સહિતની પોલીસ હજુ માંડ પરવારી હતી ત્યાં લીમડા ચોકમાં આંગડિયા પેઢીના બે કર્મચારીમાંથી એકને બસમાં ચડતી વખતે ધક્કો મારીને ચાર શખ્સો રૂપિયા 20 લાખની મત્તાના હીરા અને સોનાના દાગીના લૂંટી ફરાર થઈ ગયા હતા.સોરઠિયા વાડી નજીક પવનપુત્ર ચોકમાં આવેલી અક્ષર આંગડિયા પેઢીના બે કર્મચારી બાબુજી ઠાકોર (ચાણસ્મા, તા.પાટણ) અને હરેશકુમાર પટેલ સુરત મોકલવાનો રૂપિયા 20 લાખનો પેઢીનો મુદ્દામાલ લઈને લીમડા ચોક જવા રવાના થયા હતા. બન્ને કર્મચારી લીમડા ચોક પહોંચ્યા બાદ બાબુજી ઠાકોર હાથમાં થેલો લઈને શાસ્ત્રી મેદાનમાં પટેલ ટ્રાવેલ્સની બસમાં જવા માટે રવાના થયા હતા.

હરેશકુમાર પટેલ ટિકિટ લેવા માટે ટ્રાવેલ્સની ઓફિસમાં ગયા હતા. બાબુજી ઠાકોર રૂપિયા 20 લાખની મત્તા ભરેલા હીરા અને સોના-ચાંદીના દાગીના ભરેલા થેલા સાથે બસમાં ચડી રહ્યા હતા ત્યારે અંદાજે દસેક વાગ્યા આસપાસ બાબુજીને પાછળથી કોઈએ ધક્કો મારતા તેઓ પડી ગયા હતા અને આંખમાં ઈજા થઈ હતી. હાથમાં રહેલો મત્તા ભરેલો થેલો પણ પડી ગયો હતો.

બાબુજી ઠાકોર કંઈ સમજે વિચારે તે પહેલાં પાછળ ઊભેલા બે શખ્સ થેલો લઈને નાસી છૂટ્યા હતા. બાબુજીએ બૂમો પાડી હતી પરંતુ ત્યાં સુધી લૂંટારાઓ નાસી છૂટવામાં સફળ થયા હતા.

લૂંટની આ ઘટના સંદર્ભે સૌપ્રથમ પેઢીના માલિક નટવરસિંહ સોલંકીને જાણ કરાયા બાદ પોલીસ કન્ટ્રોલ રૂમને વાકેફ કરવામાં આવતા ડીસીપી બલરાજ મીના, એસીપી રાઠોડ, એ-ડિવિઝનના પી.આઈ. વી.વી. ઓડેદરા, તેમજ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ કે.કે. જાડેજા અને ધાંધલિયા સહિતનો સ્ટાફ લીમડા ચોક દોડી ગયો હતો અને બાબુજી ઠાકોર તેમજ હરેશકુમાર પટેલની પ્રાથમિક પૂછપરછ કરી લૂંટની ઘટના કેવી રીતે બની તે સહિતની વિગતો મેળવીને આરોપીઓ કઈ તરફ ભાગ્યા તે દિશામાં તપાસ શરુ કરવામાં આવી હતી.

Here are a few more articles:
Read the Next Article