રાજકોટમાં સીએમ વિજય રૂપાણી અને ઈન્દ્રનિલ રાજયગુરૂની ધર્મ પત્નીઓ ચૂંટણી પ્રચારનાં મેદાનમાં ઉતરી

New Update
રાજકોટમાં સીએમ વિજય રૂપાણી અને ઈન્દ્રનિલ રાજયગુરૂની  ધર્મ પત્નીઓ ચૂંટણી પ્રચારનાં મેદાનમાં ઉતરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં મતદાનને હવે ગણતરીનાં દિવસો જ બાકી છે. ત્યારે વિધાનસભાની 182 સીટોમાં રાજકોટની સીટ નંબર 69 પર સંઘનાં જુના સ્વયંસેવક અને હાલનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સૌરાષ્ટ્રનાં શ્રીમંત ગણાતા કોંગ્રેસનાં ઉમેદવાર ઈન્દ્રનિલ રાજયગુરૂનાં ચૂંટણી જંગ પર સૌની નજર સ્થિર થઇ છે. આ બંને ઉમેદવાર માટે તેમની પત્નીઓએ પણ લોક સંપર્ક થકી પ્રચારની ધુરા સંભાળી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ વિધાનસભા બેઠક નંબર 69 પર બે બાહુબલીને જીતાવવા તેમની પત્નીઓ પ્રચારમાં ઉતરી છે. એક તરફ કોંગ્રેસનાં ઉમેદવાર ઈન્દ્રનિલ રાજયગુરૂનાં પત્ની દર્શના રાજગુરૂ છે, તો બીજી તરફ વિજય રૂપાણીનાં ધર્મપત્ની અંજલિબેન રૂપાણી. આ બન્ને ઉમેદવારોની પત્ની વિધાનસભા ક્ષેત્ર 69નાં દરેક વોર્ડ દરેક શેરી ગલ્લીઓમાં જઈ પોતાનાં પતિને જીત અપાવવા અને મત આપવાની માંગ કરી રહ્યા છે.

વિધાનસભા ક્ષેત્ર 69 એટલે કે રાજકોટ પશ્ચિમ બેઠકની પર છેલ્લા 32 વર્ષથી કોંગ્રેસનો કોઈ ઉમેદવાર વિજેતા નથી થયો. અને આ સીટ પર ભાજપનું કમળ ખીલે છે, તેથી ભાજપનાં દરેક ઉમેદવારમાં ભરપૂર આત્મવિશ્વાસ જોવા મળે છે. કારણ કે આ સીટ પર થી વજુભાઈ વાળા પણ ચૂંટાયા છે, તો હાલનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની પહેલી ચૂંટણી અંહિથી જીત્યા હતા. જ્યારે હાલનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી એક ધારાસભ્ય તરીકે પોતાની પહેલી ચૂંટણી અહિંથી જ જીત્યા છે.

એક વાતચીતમાં કોંગ્રેસનાં ઉમેદવારની પત્ની દર્શનાબેન રાજગુરૂએ જણાવ્યુ હતુ કે તેમના પતિ લોકોની વચ્ચે રહેનારા છે. લોકોના કામ અડધી રાતે તેઓ કરે છે. તેમજ વિધાનસભા ક્ષેત્ર 68માં કરેલા કામનો ફાયદો તેઓને અંહિયા મળશે. તેમજ ઈન્દ્રનિલ રાજગુરૂ 32 વર્ષનો પડેલ દુષ્કાળ હટાવશે જણાવ્યુ હતુ.

Latest Stories