ગુજરાત રાજ્યમાં દેશના 74માં સ્વતંત્ર પર્વની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના રાજકીય અગ્રણીઓ દ્વારા વિવિધ સ્થળોએ ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપવામાં આવી હતી.
કોરોનાના કપરા કાળમાં ગાંધીનગર ખાતે સોશિયલ ડિસ્ટન્સ સાથે આજે 74માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધ્વજ વંદન કરી કોરોના વોરિયર તરીકે સેવા આપતા લોકોનું સન્માન કર્યું હતું. મુખ્યમંત્રીએ ગુજરાતની જનતાને સંબોધતા જણાવ્યુ હતું કે, કોરોના મહામારી સામે લડવા માટે જન આંદોલન ચાલી રહ્યું છે. જેમાં સ્વતંત્રા આંદોલન જેવી જ સામાનતા છે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે 74માં સ્વતંત્ર પર્વની સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સ્વાતંત્ર્ય સંગ્રામની લડતમાં પોતાના પ્રાણની આહુતિ આપનારા નામી-અનામી સૌ વીર શહીદ સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવામાં આવ્યા હતા.
સ્વાતત્ર પર્વ નિમિત્તે સુરત શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 74માં સ્વતંત્ર પર્વ નિમિત્તે જિલ્લાકક્ષાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રની અસ્મિતાના પ્રતિક સમા ત્રિરંગાને સલામી આપી જીતશે ગુજરાત, હારશે કોરોનાના મંત્રને સાકાર કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો.
તો જુનાગઢ શહેરના પોલીસ પરેડ ગ્રાઉંડ ખાતે પણ 74માં સ્વતંત્ર પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય મંત્રી જવાહર ચાવડાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, ત્યારે સ્વતંત્ર પર્વની ઉજવણીમાં ઉપસ્થિત કોરોના વોરિયર્સ તેમજ કોરોનાને મ્હાત આપનાર પોલીસ અધિકારીઓને પ્રમાણ પત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
કચ્છ જિલ્લામાં ભુજ શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 74માં સ્વતંત્ર પર્વ ઉજવાયો હતો. રાજ્ય મંત્રી વાસણ આહિરના હસ્તે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ઉપરાંત વૃક્ષારોપણ કરી કોરોના વોરિયર્સનું વિશેષ સમ્માન કરવામાં આવ્યું હતું.
દાહોદ શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. 74માં સ્વતંત્ર પર્વ નિમિત્તે રાજ્ય મંત્રી બચુ ખાબડના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સરકાર દ્વારા કોરોના મહામારી સામે કરાયેલી કામગીરીની પ્રશંસા કરી તમામ કોરોના વોરિયર્સને સાલ ઓઢાડી સન્માન પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
અમરેલી જિલ્લા સ્થિત ભાજપ કાર્યાલય ખાતે 74માં સ્વતંત્ર પર્વ નિમિત્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કોરોનાના કાળમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે શહીદ સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.