/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/755611ba-39f1-41b6-9c83-4e3e16698c02.jpg)
વડોદરા મહાનગર સેવા સદનનાં મ્યુનિ. કમિશનર દ્વારા રૂપિયા 80.20 કરોડનાં કર દર સૂચવતું વર્ષ 2018-19નું રૂપિયા 3820.60નું બજેટ સ્થાયિ સમિતિમાં રજૂ કરવામાં આવ્યુ હતુ. સ્થાયિ સમિતિએ શહેરીજનો ઉપર નાંખવામાં આવેલા મિલકત વેરા ફગાવી દઇ, રૂપિયા 3728.69 કરોડનું બજેટ મંજૂર કર્યુ હતુ.
સ્થાયિ સમિતિનાં ચેરમેન જીગીશાબહેન શેઠે પત્રકારોને જણાવ્યું હતું કે, મ્યુનિ. કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં રૂપિયા 80.20 કરોડના વેરો સૂચવવામાં આવ્યો હતો. પાંચ દિવસની ચર્ચાના અંતે સામાન્ય રહેણાંક અને બીન રહેણાંકમાં ગત વર્ષના ધારાધોરણ પ્રમાણે જ મિલકત વેરો રાખવામાં આવ્યો છે. જ્યારે સફાઇ વેરામાં વધારો કરવામાં આવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેને પગલે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પણ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે.
સફાઇ માટે હયાત 1200 કર્મચારીઓ છે. આ ઉપરાંત માનવદિન પ્રમાણે પણ સફાઇ કર્મચારીઓ લેવામાં આવ્યા છે. પરિણામે કોર્પોરેશન ઉપર રૂપિયા 10 કરોડનું ભારણ વધી ગયું છે. આ સાથે 7માં પગાર પંચના કારણે મહેકમમાં 48.06 ટકા વધારો થયો છે. આ તમામ ખર્ચને પહોંચી વળવા માટે સફાઇ વેરામાં વધારો કરવામાં આવશે. જેનાથી કોર્પોરેશનને રૂપિયા 21.34 કરોડની આવક થશે.
સ્થાયિ સમિતિનાં ચેરમેન જીગીશાબહેન શેઠે વધુમાં ઉમેર્યું કે, આ બજેટ વિકાલ લક્ષી છે. બજેટમાં વડોદરા શહેરના લોકોને 24 કલાક પાણી આપવાનું સૂચવવામાં આવ્યું છે. જે માટેની કામગીરી હાલમાં યુધ્ધના ધોરણે ચાલી રહી છે. આ ઉપરાંત ડ્રેનેજ, ગટર, વરસાદી ગટર, રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને આરોગ્યની કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વર્ષ-2018માં પણ વડોદરા સ્વચ્છતામાં વડોદરાનો પ્રથમ ક્રમાંક જળવાઇ રહેશે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી.