વલસાડ જિલ્લા કલેકટર આર.આર.રાવલ દ્વારા ઘરબેઠા સારવાર માટે નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. ‘‘ઘર બેઠા સારવાર-ડૉકટર આપના દ્વાર''ને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહયો છે. આ નવતર શરૂ કર્યાને આજદિન સુધીમાં ૧૭૫૨ કોલ મળ્યા છે.
‘‘ઘરે બેઠા સારવાર-ડોકટર આપના દ્વાર'' માટે કોઇ પણ નાગરિક કે પોતાના પરિવારમાં કોઇને પણ તાવ, શરદી, ઉધરસ, ખાંસી, શરીર દુઃખવું, ગળામાં દુખાવો, માથું દુખવું કે શ્વાસ લેવામાં તકલીફ હોય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નંબર ઉપર સંપર્ક કરી નામ નોંધાવી શકે છે. જે આધારે આરોગ્યની ટીમ મેડીકલવાન સાથે એ જ દિવસે ગામની મુલાકાત લેશે. તે દર્દીને ઘરબેઠાં યોગ્ય સારવાર આપશે. ઇમ્યુનીટી વધારવા આયુર્વેદિક દવાઓ પણ આપવામાં આવે છે, તેમજ ઘરગથ્થુ ઉકાળો બનાવી પીવા તથા યોગ-પ્રાણાયામ માટે જરૂરી સલાહસૂચનો અને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. સતત ૧૪ દિવસ સુધી આરોગ્યની ટીમ દ્વારા રોજે રોજ દર્દીનું સુપરવિઝન અને મોનીટરિંગ કરશે. જો બિમારીમાં વધારો થાય અને રીકવરી ન આવે તેવા દર્દીને જ સરકારી કે અન્ય યોગ્ય હોસ્પિટલમાં સારવાર માટે રીફર કરવામાં આવશે.