વર્લ્ડ ઓફ સ્પોર્ટસમાં વર્ષ ૨૦૧૮માં સૌથી વધુ કમાણી કરતાં ટોચના ૧૦૦ સુપરસ્ટાર સ્પોર્ટસ પર્સન્સની યાદીમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સ્થાન મેળવ્યું છે. ધનિકોની સંપત્તિ પર બાજનજર રાખતાં ફોર્બ્સની યાદીમાં સ્થાન મેળવનારા એકમાત્ર ભારતીય ખેલાડી એવા વિરાટ કોહલીની વાર્ષિક કમાણી ૧૬૧ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. જેના આધારે તે દુનિયાના સૌથી વધુ કમાણી કરતાં ખેલાડીઓમાં ૮૩મું સ્થાન ધરાવે છે. જોકે આંકડાની રીતે જોઈએ તો સૌથી વધુ કમાણી કરતાં ખેલાડી કરતાં કોહલીની વાર્ષિક કમાણી ૧૦ ટકા કરતાં પણ ઓછી થવા જાય છે.
ફોર્બ્સના મતે વર્ષ ૨૦૧૮માં દુનિયાનો સૌથી વધુ કમાણી કરતો ખેલાડી અમેરિકાનો બોક્સર ફ્લોઈડ મેવેધર છે. આ તુંડમિજાજી અને પોતાની અઢળક સંપત્તિનો સોશિયલ મીડિયા પર તસવીરો-વિડિયો થકી દેખાડો કરનારા બોક્સરની વાર્ષિક કમાણી આશરે ૧૯૦૭.૧૫ કરોડ રૂપિયા (૨૮.૫ કરોડ ડોલર) જેટલી થવા જાય છે. જ્યારે બીજું સ્થાન આર્જેન્ટીનાના મેજિકલ ફૂટબોલર લાયોનેલ મેસ્સીને મળ્યું છે. મેસ્સીની વાર્ષિક કમાણી રૂપિયા ૭૪૨.૭૮ કરોડ હોવાનો અંદાજ ફોર્બ્સે માંડયો છે. જે ડોલરમાં રૂપિયા ૧૧.૧ કરોડ છે.
રસપ્રદ બાબત એ છે કે, હાઈએસ્ટ કમાણી કરતાં ટોચના ૧૦૦ ખેલાડીઓમાં એક પણ મહિલા ખેલાડીને સ્થાન મળ્યું નથી. જ્યારે ૧૦૦માંથી ૪૦ ખેલાડીઓ તો અમેરિકાની ભારે લોકપ્રિયતા ધરાવતી બાસ્કેટબોલ લીગ - એનબીએ - ના છે. ટોપ ટેનમાં ત્રણ ફૂટબોલરો, બે બોક્સરો, બે બાસ્કેટબોલ ખેલાડીઓ અને બે અમેરિકન ફૂટબોલના ખેલાડીઓ છે. જ્યારે એક ખેલાડી ટેનિસનો છે. મેસ્સી પછી બીજું સ્થાન પોર્ટુગલના ક્રિસ્ટીયાનો રોનાલ્ડોને આપવામાં આવ્યું છે. જેની કમાણી રૂપિયા ૭૨૨.૭૧ કરોડ (૧૦.૮ કરોડ ડોલર) હોવાનો અંદાજ છે. મેસ્સીની કમાણી રોનાલ્ડો કરતાં રૂપિયા ૨૦.૦૭ કરોડ વધુ છે. ચોથા સ્થાને બોક્સર કોન્નોર મેક્ગ્રેગોરીને તક મળી છે.