શહેરા: મોડલ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલમાં બોરની સુવિધા હોવા છતાં પીવાના પાણીના વલખાં

શહેરા: મોડલ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલમાં બોરની સુવિધા હોવા છતાં પીવાના પાણીના વલખાં
New Update

પંચમહાલ જીલ્લાની શહેરા તાલુકામાં આવેલ મોડલ સ્કૂલ કાંકરી ખાતે પાછલા કેટલાક સમયથી પીવાના પાણીની સમસ્યા સર્જાઈ રહી છે. મોડલ સ્કુલમાં બોરની સુવિધા હોવા છતાં તેમાં પીવાલાયક પાણી ન આવતા આ વિદ્યાર્થીઓને બાજુમાં આવેલી આઈ.ટી. આઈ. માં પીવાનું પાણી લેવા જવું પડે છે. મોડલ સ્કૂલના આચાર્ય દ્વારા પણ પીવાના પાણી માટે નગર પાલિકા શહેરા અને શહેરાના ધારાસભ્યને પત્ર લખી જાણ કરવામાં આવી છે.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં સરકાર દ્વારા લાખો રૂપિયા ખર્ચીને મોડલ સ્કૂલ બનાવવમાં આવી છે આ મોડલ સ્કૂલમાં ધોરણ ૬ થી ૧૨ માં અંદાઝે ૪૫૫ જેટલા બાળકો અભ્યાસ કરે છે તેમજ આ સંકુલમાં છોકરીઓને રહેવા માટે એક ગર્લ્સ હોસ્ટેલ પણ બનાવવમાં આવી છે. આ મોડલ સ્કૂલમાં પીવાના પાણી માટે બોરની સુવિધા કરવામાં આવી હતી. અને તે બોરનું પાણી વોટર કુલર મૂકીને બાળકોને પીવાના પાણી માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

પરંતુ અહીંના બાળકોનું કહેવું એવું છે કે અહીં જે પાણી માટે બોરની વ્યવસ્થા કરવામાં આવી છે તેનું પાણી પીવા લાયક આવતું નથી.અને હાલમાં પાણી પણ ઓછુ આવે છે. આજુબાજુના વિસ્તારમાંથી અભ્યાસ અર્થે આવતા બાળકો પીવા માટે પાણી પોતાની સાથે બોટલો ભરી લાવે છે. તેમજ અન્ય બાળકો માટે આઈ.ટી.આઈ. ખાતે આવેલા બોર અને ગર્લ્સ હોસ્ટેલના પાછળના ભાગમાં આવેલા સંપમાથી જીવના જોખમે પાણી ભરી ઉપયોગમાં લેતા હોય છે. પીવાના પાણીની સમસ્યા માટે મોડલ સ્કૂલના આચાર્ય દ્વારા મુખ્ય અધિકારી અને પ્રમુખ નગર પાલિકા શહેરાને મૌખિક અને લેખિત રજુઆત કરવા છતાં હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તેમજ શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને પણ આ અંગે મૌખિક અને લેખિત રજુઆત કરવામાં આવી છે. જોવાનું એ રહયું કે આ પીવાના પાણીની સમસ્યા અંગે હવે શું પગલા ભરવામા આવે છે?

Here are a few more articles:
Read the Next Article