/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/vbb.jpg)
ભરૂચ જિલ્લા કિસાન વિકાસ સંઘ અને પોલ્યુશન કંન્ટ્રોલ એસોશિયેસન દ્વારા ગુજરાત રાજ્યમાં આવેલ તમામ જિલ્લાઓની મામલતદાર કચેરી,નાયબ કલેકટર,કલેકટર,સિટીસર્વે,ડી.આઇ.એલ.આર કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ કરી તપાસ અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરવાની માંગ સાથે ભરૂચ કલેકટરને રાજયપાલને ઉદ્દેશીને આવેદન પાઠવ્યું હતું.
ભરૂચ જિલ્લા કિસાન વિકાસ સંઘ અને પોલ્યુશન કંન્ટ્રોલ એસોશિયેસન દ્વારા પાઠવાયેલ આવેદનમાં ગુજરાત સરકારની રાજ્યમાં આવેલ તમામ સરકારી કચેરીઓમાં કિસાનો પાસેથી ફેરફાર નોંધો પાડવા મોટી રકમોની લાંચ માંગવામાં આવતી હોવાના આક્ષેપ સાથે કિસાનોને થતા અન્યાય સામે ન્યાયની માંગ કરવામાં આવી હતી.
વધુમાં ભરૂચ જિલ્લામાં દહેજ,અંકલેશ્વર તથા ઝઘડીયા ખાતે આવેલ જી.આઇ.ડી.સીમાં સરકારના નિયમ મુજબ ૮૦% સ્થાનિક બેરોજગારોને રોજગારી આપવાનો પરિપત્ર હોવા છતાં રોજગારી આપવામાં આવતી નથી તેમજ ભરૂચ પાલિકાની હદમાં આવેલ સોસાયટીઓની આકરણી પાલિકા દ્વારા ન કરાતા અરજીઓ પેંડીંગ છે તેની તપાસની માંગ, નાયબ કલેકટરની કચેરીઓમાં અરજદારોની અરજીઓનો નિકાલ સમયસર ન કરી અરજીઓ મુકી રાખી અરજદાર સંપર્ક કરે ત્યારે શિરસ્તેદારો મારફતે મોટી રકમની લાંચ લઈને કાયદેસરની અરજીઓનો નિકાલ કરાય છે તેની યોગ્ય તપાસ થવી જોઇએ તેમજ કસુરવાર તમામ કચેરીઓના અધિકારીઓ તથા મળતીયાઓ સામે યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.