સુરત : જાણો, “રક્ષક દીપડો” ખેડૂતોને કેવી રીતે કરે છે ખેતીમાં મદદ, વન વિભાગ પણ થયું માથું ખંજવાળતું..!

New Update
સુરત : જાણો, “રક્ષક દીપડો” ખેડૂતોને કેવી રીતે કરે છે ખેતીમાં મદદ, વન વિભાગ પણ થયું માથું ખંજવાળતું..!

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગામોમાં ભક્ષક દીપડાને માનવામાં આવે છે રક્ષક દીપડો, ત્યારે માનવમાં આવતો ભક્ષક દીપડો ખેડૂતોને કેવી રીતે ખેતીમાં મદદ કરી રહ્યો છે. જુઓ અમારો વિશેષ અહેવાલ...

સુરત જિલ્લામાં ક્યાયથી પણ ઝબ્બે થયેલા દીપડાઓને પોતાના ગામમાં છોડી જવાની ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. દીપડાને ગામનો રક્ષક માનતા ગામના લોકોની આશ્વર્ય પમાડે તેવી માંગ અને માન્યતા જોવા મળી રહી છે. સુરત જિલ્લાના છેવાડે આવેલા માંગરોળ તાલુકાના જંગલ વિસ્તારના વેલાછા, સેઠી અને આસરમા સહિતના ગામોમા છાશવારે હિંસક દીપડાઓ દેખાયા બાદ પણ ગ્રામજનો પાંજરું મૂકવા તૈયાર નથી. ઉપરથી જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી પકડાયેલા  દીપડાઓને પણ પોતાના ગામની સીમમાં છોડી જવા માટે વન વિભાગને માંગ કરતા આ વિસ્તારના લોકોની વિચિત્ર તેમજ આશ્વર્ય પમાડતી વાતથી ખુદ વન વિભાગ માથું ખંજવાળતા થઇ ગયા છે.

પ્રતિ પાકની સિઝનમાં મોટું નુકશાન વેઠતા ખેડૂતો તેમજ ગ્રામજનો માટે મસીહા તરીકે ઉપસેલા દીપડાએ છેલ્લા 5 વર્ષથી કોઈ ઉપર હુમલો કર્યાનો દાખલો પ્રકાશમાં આવ્યો નથી. અલબત્ત કેટલીક વાર તો, ખેડૂત અને ગામલોકો દીપડાની આમને-સામને થવા છતાં બેખોફ ગામલોકો માટે દીપડો રક્ષકની ભૂમિકા નિભાવી રહ્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. કોઇપણ જાતનાં ડર વિના જંગલ વિસ્તારમાં મુક્ત મને ફરી રહેલા ગામના તમામ લોકો દીપડા જેવા હિંસક પ્રાણીને પોતાનો રક્ષક માને છે. ઉપરાંત દીપડા જેવા ખૂંખાર પ્રાણીને ગ્રામજનો પોતાનો રક્ષક મિત્ર માની પ્રેમ પણ એટલો જ કરે છે. જેની પાછળ કારણભૂત બાબત પણ અચરજ ભરી છે. 

આસરમા અને લીંબાળાના સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અહીના ગામોની સિમમાં છેલ્લા 5 વર્ષથી દીપડાઓ આંટાફેરા મારતા નજરે પડી રહ્યા છે. ખેતરે જતા લોકોની નજરે પણ ચઢતા દીપડાએ અત્યાર સુધી ગામમાં કોઇપણ પ્રકારનું નુકશાન પહોચાડ્યું નથી. ઉપરાંત ગામ માટે રક્ષક બનેલા દીપડાની હાજરી ગ્રામજનો માટે કારગત નિવડી છે. તેનું મુખ્ય કારણ છે કે, આસરમા ગામના લોકો છેલ્લા કેટલાક સમયથી ભૂંડના અસહ્ય ત્રાસનો સામનો કરી રહ્યા હતા. ખેતરોમાં શેરડી તેમજ અન્ય પાકોનું મોટા પ્રમાણમાં નુકસાન કરતા ભૂંડથી ત્રાહિમામ પોકારી ગયા હતા. એવા સંજોગોમાં જ્યારથી ગામની સિમમાં દીપડાએ વસવાટ કર્યો છે, ત્યારથી ખેતરોમાં ભૂંડ તેમજ અન્ય પ્રાણીઓથી થતું મોટું આર્થિક નુકશાન અટકી ગયું છે, ત્યારે દીપડો નજરે પડે તો પાંજરું મુકવા દોડધામ કરવાના બદલે લોકો હવે બેફિકર થઈ ફરતા નજરે પડે છે. ઉપરાંત હવે લોકોએ પદ્ધતિ બદલી અસરકારક પરિણામ માટે નાઈટ વિઝનના ટ્રેપ કેમેરા ગોઠવી દીપડાની ગતિવિધિ ઉપર નજર રાખી રહ્યા છે. જોકે ઇન્ફ્રારેટેડ કેમેરાઓ ગોઠવાતા તેમાં બિન્દાસ્તપણે વેલાછા ગામની સીમમાં દીપડો લટાર મારતો કેદ થયો હતો.

માંગરોલ તાલુકાના કેટલાક ગામોમાં છેલ્લા ઘણા સમયથી દીપડાઓ દેખા દેવાની ઘટનાઓ સામે આવી રહી છે, ગામની સીમમાં 3થી વધુ દીપડાઓ આંટા મારતા હોવા છતા આજદિન સુધી લોકોની જાનમાલને કોઇ પણ જાતનું નુકશાન પહોચાડ્યું નથી. ઉપરાંત દીપડાના વસવાટથી ગામના ખેતરોમાં ભૂંડના ઉપદ્રવ સામે પણ રક્ષણ મેળવી ખેતરોમાં થતું નુકશાન બંધ થયુ છે.

Latest Stories