સુરત : શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારંભ યોજાયો, આરોગ્ય મંત્રી રહ્યા હાજર

New Update
સુરત : શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારંભ યોજાયો, આરોગ્ય મંત્રી રહ્યા  હાજર

આરોગ્ય રાજ્યમંત્રી કીશોરભાઈ કાનાણીના અધ્યક્ષસ્થાને પુણા ગામ સ્થિત એલ.પી.ડી. સાર્વજનિક વિદ્યાલય ખાતે સુરત જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો. મંત્રીના હસ્તે જિલ્લાના ત્રણ અને તાલુકા કક્ષાના છ શ્રેષ્ઠ શિક્ષક શ્રેષ્ઠ શિક્ષકોનું શાલ, સન્માન રાશિનો ચેક, સ્મૃતિ ચિહ્ન અને પુસ્તક અર્પણ કરી સન્માન કરાયું હતું.

સંપૂર્ણ સોશ્યલ ડિસ્ટન્સિંગ અને સલામતીના ધોરણોને અનુસરી ઉજવણી સમારોહનું આયોજન થયું હતું.આ પ્રસંગે વિદ્વાન શિક્ષણવિદ્દ પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના શિક્ષકના રૂપમાં અમૂલ્ય યોગદાનને યાદ કરતાં મંત્રી કિશોરભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન પોતાની આગવી પ્રતિભાથી રાષ્ટ્રપતિ બન્યા પછી પણ આજીવન શિક્ષક જ રહ્યા. 

કાનાણીએ શિક્ષકદિન બાળકોના ભાવિ અને જીવનનું ઘડતરમાં  જીવનમૂલ્યોનું સિંચન કરનાર શિક્ષકની વંદના કરવાનો દિવસ હોવાનું જણાવી ઉમેર્યું કે, માતા પિતા બાળકને જ્ઞાન ઉપાર્જન માટે શાળાએ મોકલે છે, ત્યારે શિક્ષક કાચા હીરા સમાન આ વિદ્યાર્થીને જ્ઞાનની ધારથી પાસાદાર બનાવી ચમકાવે છે. કાચો હીરો જેમ પાસા પડ્યા પછી ચમકદાર અને અનેકગણો મૂલ્યવાન બને છે, તેમ શિક્ષક પાસેથી શિક્ષણ અને સંસ્કાર મેળવીને વિદ્યાર્થી તેજસ્વી બને છે.

તેમણે શિક્ષકોને આહ્વાન કરતાં કહ્યું કે, દરેક બાળક શાળાના મૂલ્યનિષ્ઠ શિક્ષણથી સમાજનો સારો નાગરિક જરૂર બને એવું આપણું ધ્યેય હોવું જોઈએ. ભૂતકાળમાં શિક્ષણ મેળવવા અનેક મુશ્કેલીઓ વેઠવી પડતી હતી, પરંતુ આજે રાજ્ય સરકારે ગામેગામ આંગણવાડી, ડિજીટલ શિક્ષણ આપતી શાળાઓ, નવા ઓરડાઓનું નિર્માણ કરી ચારેકોર શિક્ષણને સુલભ બનાવ્યું છે એમ જણાવી મંત્રીએ શ્રેષ્ઠ શિક્ષકોનો એવોર્ડ મેળવનાર શિક્ષકોને શુભકામનાઓ આપી  હતી.

આ પ્રસંગે જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલે પ્રેરક સંબોધન કરતાં જણાવ્યું કે, જ્ઞાનના ચાર પ્રકારો- પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ-પ્રમાણ છે. જેની મદદથી વિદ્યાર્થીને રાગદ્વેષ વિના સમાન શિક્ષણ આપવું એ શિક્ષકનો મુખ્ય ધર્મ છે.  પટેલે સમય સાથે કદમતાલ મિલાવી શિક્ષકોને પોતાની જાતને સતત અપડેટ રાખવાનો અનુરોધ કર્યો હતો.

જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ.રાજ્યગુરૂએ મંત્રી અને મહાનુભાવોને આવકારી શિક્ષકો વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાના પથ્થર બને એવી અપેક્ષા વ્યક્ત કરી શ્રેષ્ઠ શિક્ષકોને સિદ્ધિ બદલ શુભકામનાઓ આપી હતી. નોંધનીય છે કે, સુરત શહેરના બે શ્રેષ્ઠ શિક્ષકો રાજેશભાઈ ધામેલિયા (મહારાણા પ્રતાપ પ્રા.શા.) અને હેમાક્ષીબેન પટેલ (આઈ.એન ટેકરાવાળા હાઈસ્કૂલ, રાંદેર)નું રાજ્ય કક્ષાએ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી દિપકભાઈ દરજી, શાળાના ટ્રસ્ટી ભગુભાઈ, આચાર્ય વિજયભાઈ પટેલ સહિત સન્માનિત શિક્ષકો, અધિકારીઓ  મોટી સંખ્યામાં શિક્ષકો-વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories