સુરતના ‘સફાઈ વીરો’ જ જીવના જોખમે રહેવા મજબૂર

નિર્મળનગર આવાસ બન્યા આફતના ઘર

ઉમરા વિસ્તારમાં 200થી વધુ પરિવાર પર તોળાતું જોખમ

2008માં બનેલા ડો.આંબેડકર આવાસ જર્જરિત

સફાઈ કર્મીઓએ મેયર અને કમિશનરને કરી લેખિત રજૂઆત

સુરત શહેરને દેશભરમાં સ્વચ્છતામાં અગ્રેસર રાખવા માટે રાત-દિવસ એક કરતા સફાઈ કામદારો પોતે જ આજે જીવના જોખમે જીવવા મજબૂર બન્યા છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2008માં આ નિર્મળનગર આવાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ આટલા ટૂંકા સમયગાળામાં જ આખી બિલ્ડિંગ અત્યંત જર્જરિત અને કંડમ હાલતમાં ફેરવાઈ ગઈ છે. અહીં 200થી પણ વધુ સફાઈ કામદાર પરિવારો વસવાટ કરે છે, જેમના માથે હાલ મોટું જોખમ તોળાઈ રહ્યું છે.

આવાસમાં જ્યાં નજર કરો ત્યાં માત્ર તિરાડો અને ભયાનક દ્રશ્યો જ જોવા મળી રહ્યા છે. અનેક ઘરોમાં સ્લેબમાંથી મોટી સાઇઝના પોપડા પડી ગયા છે અને છતના સળિયા બહાર આવી ગયા છે. દીવાલોમાં મસમોટી તિરાડો પડી ગઈ છે, જે ગમે ત્યારે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે તેમ છે. સુરતને સ્વચ્છ રાખનારા આ ‘સફાઈ વીરો’ આજે પોતાના જ ઘરમાં સલામત નથી.

બિલ્ડિંગની દયનીય સ્થિતિને જોતા નિર્મળનગર આવાસના રહીશોએ સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર અને મેયરને લેખિતમાં રજૂઆત કરી છે. સ્થાનિકોએ માંગ કરી છે કે આ આવાસને તાત્કાલિક રિ-ડેવલપ કરવામાં આવે અને કામગીરી દરમિયાન રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે. રહીશોનું કહેવું છે કે જો સમયસર ઘરો ખાલી કરાવી વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરાય, તો કોઈ નિર્દોષ સફાઈ કર્મી કે તેના પરિવારનો ભોગ લેવાય તેવી પૂરી શક્યતા છે.