સુરતમાં BRTS બસ રેડલાઇન બસ સાબિત થઈ રહી હોવા છતા મનપા અને પોલીસ મૌન

New Update
સુરતમાં BRTS બસ રેડલાઇન બસ સાબિત થઈ રહી હોવા છતા મનપા અને પોલીસ મૌન

દિલ્હીની બ્લુ લાઇન બસો યમદુત સાબિત થયા બાદ આ બસોને બંધ કરવામાં આવી હતી. તેવી જ કંઇ હાલત હાલ સુરતમાં બીઆરટીએસ બસ એટલે કે રેડલાઇન બસો સાબિત થઇ રહી છે. એક પછી એક આ બીઆરટીએસ બસનો રૂટ મોતનો રૂટ સાબિત થઇ રહ્યો છે. ત્યારે હજી પણ સુરત મહાનગરપાલિકા અને પોલિસ મુકપ્રેક્ષક બનીને વધારે અકસ્માતો થવાની રાહ જોઇ રહ્યું છે.

સુરતનાં બીઆરટીએસ રૂટ પર અકસ્માતોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે.અઢી વર્ષ પહેલાં જ્યારે શહેરમાં બીઆરટીએસ બસ અને સીટી બસ સેવા શરૂ થઇ છે ત્યારથી લઇને અત્યારસુધી ૯૫થી વધુ જેટલાં અકસ્માતો થયાં છે જેમાં ૨૭નાં મોત થયાં છે અને આ રૂટ પર અકસ્માતોથી મોતનો સિલસિલો યથાવત રહ્યો છે. જાણે શહેરમાં મોતની કિંમત શુન્ય થઇ ગઇ છે.

૨૦૧૭ માં કુલ ૫૬ અકસ્માતો આ રૂટ પર થયાં હતાં જેમાં ૪ વ્યક્તિઓનાં બીઆરટીએસ બસની અડફેટે મોત થયાં હતાં જ્યારે ૧૨ લોકોનાં ખાનગી વાહનોની અડફેટે મોત થયાં છે..જ્યારે જાન્યુઆરી ૨૦૧૮થી લઇને અત્યારસુધી ૩૯ અકસ્માતો થયાં છે જેમાં ૬ વ્યક્તિઓનાં બસ અડફેટે મોત થયાં છે

તાજેતરમાં જ ૮મીમે નાં રોજ યુનિવર્સિટી રોડ પર પિતરાઇ ભાઇ બહેનને પુરપાટ ઝડપે આવેલી સીટી બસે અડફેટમાં લીધા હતાં..જેમાં ભાઇનું ૩૦૦ ફુટ સુધી ઢસડાતાં મોત નીપજ્યું હતું. જ્યારે બહેનને ગંભીર ઇજા થઇ હતી.

તારીખ ૧૨મી મેનાં રોજ ખરવરનગર જંકશન પર પણ મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલાં યુવાનને બસે અડફેટમાં લેતાં ઘટના સ્થળ પર જ તેનું મોત થયું હતું આ જ પ્રમાણે ઉધના જંક્શન,સરથાણા જંકશન ખુબ જ જોખમી જંક્શન સાબિત થયાં છે.

આ ઉપરાછાપરી અકસ્માતોમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે ત્યારે હવે પાલિકાએ રૂટનાં જોખમી સ્પોટનો સર્વે કરીને અકસ્માતો રોકવા શું કામગીરી કરી શકાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવનાર છે.જેમાં ઝાડને ટ્રીમીંગ કરાવવાનું, સ્પીડ બ્રેકર મુકવાનું, સ્વીંગ ગેટની સંખ્યા વધારવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવનાર છે સાથે જ બીઆરટીએસ બસનાં ડ્રાઇવરોને પણ સ્પીડ પર સંતુલન લાવવા સુચના અપાઇ છે.

જોકે બીજી તરફ કેટલીક વાર વાહનચાલકોની બેદરકારી પણ અકસ્માતો નોતરી રહી છે. બીઆરટીએસ રૂટ પર ખાનગી વાહનો પર પ્રતિબંધ હોવા છતાં લોકો બેફામપણે શોર્ટકર્ટ રસ્તો અપનાવવા આ રૂટ પર ગાડી ચલાવતાં નજરે પડે છે. કેટલાંક સ્થળે ખાનગી વાહનો પ્રવેશતાં અટકાવવા મુકેલાં સ્વીંગ ગેટ પણ બંધ થઇ જતાં લોકોને રૂટ પર ગાડી ચલાવવા માટે છુટછાટ મળી ગઇ છે. જોકે બસનાં ડ્રાઇવરો પણ બીઆરટીએસ રૂટ પર ખાનગી વાહનોની અવરજવરથી પરેશાન દેખાઇ રહ્યા છે..

બીઆરટીએસના ડ્રાઇવર દ્વારા જાણવામાં આવતા ઘણીવાર વાહનચાલકો રૂટમાં પ્રવેશી જાય છે અને પછી અકસ્માતો થાય છે તો અમારા પર હુમલા થાય છે

જોકે એકવાત તો ચોક્કસ છે કે ખાનગી વાહનોને બીઆરટીએસ રૂટ પર અટકાવવા માટે પોલિસ દ્વારા પણ યોગ્ય કાર્યવાહી નથી કરવામાં આવી રહી તો બીજી બાજુ સુરત મનપા દ્વારા પણ સ્વીંગ ગેટની સંખ્યા વધારવાની વાત તો બાજુ પર રહી પણ જે સ્વીંગ ગેટ મુકવામાં આવ્યા છે તેનું પણ મેઇનટેનન્સ યોગ્ય રીતે ન થતાં આ અકસ્માતોની સંખ્યા વધી રહી છે. બીજીબાજુ દિલ્હીની જેમ સુરતમાં આ બસનો રૂટ મોતનો રૂટ બનતો ચાલ્યો છે ત્યારે તંત્રએ બીઆરટીએસ એટલે કે બીગ રિસ્કી ટ્રાન્ઝીટ સિસ્ટમ પર કંટ્રોલ લાવવાની તાતી જરૂર વર્તાય રહી છે.

Latest Stories