અંગદાનથી આખા પરિવાર અને સમાજને નવજીવન મળે છેઃ રાષ્ટ્રપતિ

0
277

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સુરતની મુલાકાતે આવ્યા

સુરતમાં વર્ષ 2005થી ઓર્ગન ડોનેશનનું કામ કરતી ડોનેટ લાઈફ સંસ્થાના કાર્યક્રમમાં હાજરી આપવા આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સુરત ખાતે પહોંચ્યા હતા. રાજ્યભરમાં અંગદાન માટે સુરત શહેર ઉમદા કાર્ય કરી રહ્યું છે. જેના થકી સુરત આખા રાજ્યમાં અગ્રેસર રહ્યું છે. અત્યારસુધી ઓર્ગન ડોનેશન થકી સુરતમાંથી 582 લોકોને નવજીવન મળી ચૂક્યું છે. કોઈપણ જાતના ભેદભાવ વિના અત્યારસુધી સુરતમાંથી 17 હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. જેથી સુરતની ઓળખ હવે ડાયમંડ સીટી, ટેક્સટાઇલ સીટી બાદ ડોનર સીટી તરીકે ઉભી થઈ છે.

મૃત્યુ બાદ પણ લોકોને નવજીવન આપી જનાર અંગદાતાઓના પરિવારોના સન્માન માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સુરત આવ્યા હતા. કાર્યક્રમમાં તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ ઓ.પી.કોહલી પણ હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, કોઈને ઉપલબ્ધી પ્રાપ્ત થાય તો તેને સામાન્ય રીતે સન્માનવામાં આવે છે. પણ આ કાર્યક્રમ કંઈક અલગ જ છે. જેના થકી લોકોને-સમાજને નવો સંદેશો મળ્યો છે. જે લોકોએ અંગદાન કર્યું છે તે કાબિલેતારીફ છે. અંગદાનથી આખા પરિવાર અને સમાજને નવજીવન મળે છે. સમાજમાં હજી પણ અંગદાન માટે જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. કિડની માટે 20 લાખ લોકો વેઇટિંગમાં છે. લીવર માટે પણ 1 લાખ લોકો વેઇટિંગમાં છે. પણ હવે ધીમે ધીમે લોકોમાં જાગૃતિ આવી છે. કિડની દાનમાં ભારત આગળ છે. ઓર્ગન ડોનેશનમાં સુરત અગ્રસેર હોવા બાબતે રાષ્ટ્રપતિએ અભિનંદન પાઠવ્યા હતા.

આ તબક્કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, અંગદાનને વધુ વેગ મળે તે જરૂરી છે. જીવનનું શ્રેષ્ઠ દાન અંગદાન છે. કારણ કે તેનાથી અન્યોને નવજીવન મળે છે. ગુજરાત તે માટે આગળ વધી રહ્યું છે તેનો ગૌરવ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. અંગદાનમાં સરકારે લોકોને સહાયતા આપવાની તૈયારી બતાવી હતી. ટ્રાન્સપ્લાન્ટ યુનિવર્સીટીની સ્થાપના દ્વારા આ પ્રવૃત્તિને વેગ આપવા સરકાર કટિબદ્ધ હોવાનું સીએમ રૂપાણીએ જણાવ્યું હતું.

રાજ્યપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું હતું કે આ માનવતાનું ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે. દાનને આપણા ધર્મમાં અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં અંગદાન સૌથી શ્રેષ્ઠ દાન છે. ગુજરાત કેટલીક બાબતોમાં નિરાધાર છે. જ્યારે કેટલીક બાબતોમાં અવવલ હોવાનું રાજ્યપાલ કોહલીએ જણાવ્યું હતું. બિનસરકારી રીતે કામ કરીને અમુક સંસ્થાઓ સમાજને ઉપયોગી કામ કરી રહી છે. જેમાંથી એક સંસ્થા ડોનેટ લાઈફ છે. ઓર્ગન ડોનેશનમાં નંબર વન રહેવા માટે તેમણે સુરતને અભિનંદન આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here