કચ્છના આદિપુરના વોર્ડ ૪-બી વિસ્તારમાં ભર બપોરે ૬૫ વર્ષિય વૃદ્ધાની હત્યા નિપજાવવામાં આવતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી હતી. અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી વૃધ્ધાને ગળે ટુંપો આપી મોતને ઘાટ ઉતારી દેતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.

પૂર્વ કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ફરી કથળી હોય તેમ આદિપુરના ભરચક વિસ્તારમાં ભાજપના યુવા અગ્રણી પ્રેમ ચંદાણીના માતા મોહિની ઉત્તમચંદ ચંદાણીની કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા નિપજાવી હતી. હતભાગી મોહિની ઉત્તમચંદ ચંદાણી પોતાને ઘરે હતા ત્યારે અજાણ્યા શખ્સો ઘરમાં ઘુસી આવ્યા હતા. ૬૫ વર્ષિય વૃદ્ધાને બાંધીને તેમને ગળે ટુંપો દઈ હત્યા નિપજાવવામાં આવી હતી.

કચ્છ શહેરમાં દિનદહાડે હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. બનાવને પગલે પૂર્વ કચ્છ એસપી પરિક્ષીતા રાઠોડ, ડીવાયએસપી વાઘેલા, આદિપુર પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો. તો રાજકીય આગેવાનો અને કાર્યકરો પણ દોડી ગયા હતા. પોલીસે આસપાસના સીસીટીવી ફુટેજ મેળવી અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. હત્યાના બનાવને પગલે પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો. પ્રાથમિક અનુમાન મુજબ ચોરી કરવાના ઈરાદે આવેલ શખ્સોએ હત્યાના બનાવને અંજામ આપ્યો હોવાનું મનાઈ રહ્યું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here