ભરૂચના સોન તલાવડી ઝુંપડપટ્ટીમાં રહેતા ૧૨ પાસ યુવાનનું સરકારી નોકરીનું સપનું નંદવાયું

0
1243

રૂપિયા ૭૦,૦૦૦ વ્યાજે લાવી ગાંધી નગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના તાલીમવર્ગ કર્યા હતા.

રાજ્ય સરકારે સરકારી નોકરી માટેની જી.પી.એસ.સી.ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ધો.૧૨ પાસનું લેવલ રદ્દ કરી માત્ર ગ્રજ્યુએટ જ પરીક્ષા આપી શકે તેવો નિર્ણય લેવાતા આ નિર્ણય યુવાનો માટે વજ્રાઘાત સાબિત થયો છે.

વ્યાજે રૂપિયા લાવી ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટેના તાલીમવર્ગ કરનાર ભરૂચની સોન તલાવડીનો યુવાન સરકારના આ નિર્ણયના પગલે નિરાશાનો ભોગ બન્યો છે. સરકારી નોકરી મેળવવાનું તેનું સ્વપ્નું અકાળે નંદવાતા આ વિકલાંગ યુવાને જિલ્લા કલેક્ટરને જઈ પ્રશ્ન કર્યો કે હવે હું શું કરું. જો કે તેની સામે કલેક્ટર માત્ર એટલું જ કહી શક્યા કે તેની રજુઆત હું ઉપર સુધી પહોંચાડીશ.

છેલ્લા અનેક વર્ષોથી સરકારના વિવિધ વિભાગોમાં ભરતી પ્રક્રિયા બંધ થઈ ગઈ હતી. છેલ્લા બે વર્ષથી સરકારે વિવિધ વિભાગોની ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતી કરવાનો નિર્ણય લેતા એક પછી એક તેની જાહેરાતો આવતા રાજ્યભરના યુવાનોમાં સરકારી નોકરી મેળવવાની આશા ઉભી થઈ હતી. જી.પી.એસ.સી.ની અનેક પરીક્ષાઓમાં ધોરણ ૧૨ પાસનું લેવલ રાખવામાં આવ્યું હતું. રાજ્યભરમાં યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે ગમે ત્યાંથી નાણાંની વ્યવસ્થા ઉભી કરી તાલીમ વર્ગોમાં જોડાયા હતા.

પરંતુ સરકારે ધો.૧૨ પાસને રદ્દ કરી ગ્રેજ્યુએટ યુવાન કે યુવતિઓ જ પરીક્ષા આપી શકશે તેવો નિર્ણય લેતા રાજ્યભરના ધો.૧૨ પાસ યુવાન અને યુવતિઓ આઘાતમાં સરી પડ્યા છે. સરકારી નોકરી મેળવવાનું તેઓનું સ્વપ્નું કાળે નંદવાતા નિરાશાનો ભોગ બન્યા છે.

આવો જ એક કિસ્સો ભરૂચમાં પણ બહાર આવ્યો છે. ભરૂચની સોન તલાવડી ઝુંપડપટ્ટીમાં રહેતો અને એક હાથથી વિકલાંગ એવો ચૌહાણ સુરેન્દ્રભાઈનો પરીવાર આર્થિક સંકટોનો સામનો કરે છે. સાત સભ્યોના આ ગરીબ પરીવાર માટે ધો.૧૨ પાસ થયેલ સુરેન્દ્ર એ આશાના કિરણ સમાન છે. સોનતલાવડી ઝુંપડપટ્ટીમાં નાનકડો ગલ્લો ચલાવી સુરેન્દ્ર ચૌહાણ તેના પરીવારનું પાલનપોષણ કરતો એકમાત્ર આધાર છે. તેના પિતા છૂટક મજુરી કરી જીવનનું ગાડું ગબડાવવાનો પ્રયાસ કરે છે. દારૂણ ગરીબી વચ્ચે સંઘર્ષ કરતો સુરેન્દ્ર ચૌહાણનું સ્વપ્ન સરકારી નોકરી મેળવવાનું હતું.

સરકારે ભરતીની જાહેરાત કરતા જ સુરેન્દ્રના મનમાં અનેક આશાઓ ઉભી થઈ હતી અને તેણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારીઓ શરૂ કરી હતી. સરકારી નોકરી મેળવવા માટે જે કંઈ પણ કરવું પડે તે કરવા માટેની સુરેન્દ્રની તૈયારી હતી. સગા-સંબંધી અને મિત્રો પાસેથી વ્યાજે રૂપિયા ભેગા કરી તેણે ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો પણ કર્યા હતા. જો કે સરકારે બરાબર પરીક્ષાઓના ટાણેજ પરીક્ષાઓ રદ કરવાની જાહેરાત કરી હવે ધો.૧૨ પાસ નહિં. પરંતુ માત્ર ગ્રેજ્યુએટ જ જી.પી.એસ.સી.ની પરીક્ષા આપી શકશે. તેવી જાહેરાત કરતા સુરેન્દ્રના પગ નીચે થી જાણે ધરતી સરકી ગઈ હોય તેવો આઘાત જાણ અનુભવ્યો છે. સરકારી નોકરી મેળવવાનું સ્વપ્નું હવે નંદવાતા તે નિરાશાનો ભોગ પણ બન્યો છે.

આજરોજ તેણે જિલ્લા કલેક્ટર પાસે પહોંચી જઈ પોતાની વ્યથાઓ વ્યક્ત કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે આટલા બધા સંઘર્ષ વચ્ચે પણ પરીક્ષા પાસ કરવા માટે બધીજ તૈયારીઓ કરી હવે પરીક્ષા જ નહિં આપી શકાય તો હું શું કરું. તેમ કહેતાં એક તબક્કે જિલ્લા કલેકટર પણ ભાવુક બન્યા હતા. પરંતુ તેઓ સુરેન્દ્રને એટલું જ કહી શક્યા કે હું તમારી રજુઆત ઉપર સુધી પહોંચાડીશ. સુરેન્દ્રએ જીલ્લા કલેક્ટર સામે વિકલાંગ વિદ્યાર્થીઓ માટે ધો.૧૨-પાસને મંજૂરી આપવા રાજ્ય સરકારમાં ભલામણ કરવા માટેની વિનંતી કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યભરના ધો.૧૨ પાસ એવા લાખો વિદ્યાર્થીઓએ સરકારી નોકરી મેળવવાના સપના સાથે સ્પર્ઘાત્મક પરીક્ષાઓ આપવાની તૈયારીઓ કરી હતી. પરંતુ હવે તેઓ પરીક્ષા આપી શકે તેમ જ નથી. તેવા સમયે સરકારે તેમના નિર્ણય સામે ફેરવિચારણા કરવી જોઈએ તેવી માંગ આ વિદ્યાર્થીઓ ઉઠાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here