ભરૂચ જિલ્લાને હરિયાળું અને પાણીદાર બનાવવા સૌએ સાથે મળીને કામ કરવું પડશે : ઈશ્વરસિંહ પટેલ

New Update
ભરૂચ જિલ્લાને હરિયાળું અને પાણીદાર બનાવવા સૌએ સાથે મળીને કામ કરવું પડશે : ઈશ્વરસિંહ પટેલ

અંકલેશ્વરના કોસમડી ખાતે યોજાયેલા સુજલામ સુફલામ જળસંચય અભિયાનના પ્રારંભ પ્રસંગે હાંસોટ - અંકલેશ્વરના ધારાસભ્ય અને મંત્રી ઈશ્વરસિંહ પટેલે જાહેરસભાને સંબોધી હતી.

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમ માટે ભરૂચની જનતાને સદભાગી ગણાવતા તેમણે કહ્યું હતું કે આજે ગુજરાત ગૌરવ દિનની ઉજવણી ભરૂચના આંગણે થઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લાને સતાવી રહેલા પાણીના પ્રશ્નને હલ કરવાના અભિયાનનો પ્રારંભ કરાવવા ખુદ મુખ્યમંત્રી અહીં આવ્યા છે ત્યારે જિલ્લાને હરિયાળું અને પાણીદાર બનાવવા સૌને સાથે મળીને કામ કરવું પડશે.

ભાડભૂત યોજનાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે આ યોજના થકી ભરૂચ જિલ્લાને વિપુલ પ્રમાણમાં મીઠું પાણી મળતું થશે અને દરિયાની વધતી ખારાશને અટકાવી શકાશે. જિલ્લાના અનેક ગામોને પાણીનો પ્રશ્ન સતાવે છે ત્યારે અંકલેશ્વરમાં આવેલા કોસમડી ગામના તળાવથી આસપાસના 25 થી 30 ગામોને પાણીનો જથ્થો સરળતાથી મળી રહેશે. જિલ્લાના ૮૬ જેટલા તળાવોને ઊંડા કરવાનું કામ આજથી શરૂ કરવામાં આવશે.

જળસંચય અભિયાનની જવાબદારી માત્ર સરકારની ન રહેતા આપણા સૌની જવાબદારી સમજી તેમાં સહભાગી બને તેવી અપીલ પણ કરી હતી. તેમણે ઉમેર્યુ હતુ કે આ ભગીરથ કાર્યમાં સહકારી અને સામાજિક સંસ્થાઓ તેમજ ધાર્મિક સંસ્થાઓ પણ જોડાઈને પોતાનું યોગદાન આપવા જઇ રહી છે.

ભરૂચના વિકાસની ગાથાને વર્ણવતા તેમણે નર્મદા નદી ઉપર બનેલા કેબલ સ્ટેડ બ્રિજનો ઉલ્લેખ કર્યો હતો. તેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો હતો. અને કહ્યું હતું કે તેમણે જોયેલું સપનું ટૂંક સમયમાં પૂર્ણ કરી જનતા માટે કેબલ સ્ટેડ બ્રિજ ખુલ્લો મુક્યો. જેના થકી જિલ્લાને સતાવતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ઉત્તમ વિકલ્પ સાબિત થયો છે. હવે ગોલ્ડન બ્રિજની બાજુમાં પણ નવો બ્રિજ નિર્માણ પામી રહ્યો છે જેને પણ ટૂંક સમયમાં જ ખુલ્લો મુકવામાં આવશે અને ટ્રાફિકની સમસ્યામાંથી ભરૂચ અંકલેશ્વરની જનતાને મુક્તિ મળશે.

Latest Stories