/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/asia-cup-5-620x400.jpg)
ત્રણ વિકેટે બાંગ્લાદેશ સામે વિજય મેળવી મેદાન માર્યું
બોલર્સના શાનદાર પ્રદર્શન બાદ સુકાની રોહિત શર્મા, મહેન્દ્ર સિંહ ધોની અને દિનેશ કાર્તિકની મક્કમ બેટિંગની મદદથી ભારતે શુક્રવારે અહીં રમાયેલી અને અંતિમ બોલ સુધી રોમાંચક બનેલી ફાઈનલમાં બાંગ્લાદેશને ત્રણ વિકેટે પરાજય આપીને એશિયા કપ વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ જીતી લીધી હતી. ભારતે સાતમી વખત એશિયા કપ ટાઈટલ જીત્યું છે. બાંગ્લાદેશે આપેલા 223 રનના લક્ષ્યાંકને ભારતે અંતિમ બોલમાં પાર પાડ્યો હતો. અંતિમ બોલમાં એક રનની જરૂર હતી અને કેદાર જાધવે ભારતને વિજય અપાવ્યો હતો.
બાંગ્લાદેશ ત્રીજી વખત એશિયા કપની ફાઈનલમાં પહોંચ્યું હતું. જોકે, તેને ત્રીજી વખત ફાઈનલમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ભારત માટે રોહિત શર્માએ સૌથી વધુ 48 રન નોંધાવ્યા હતા જ્યારે દિનેશ કાર્તિકે 37 અને મહેન્દ્ર સિંહ ધોનીએ 36 રનની મહત્વની ઈનિંગ્સ રમી હતી. આ ઉપરાંત રવીન્દ્ર જાડેજાએ 23 અને ભુવનેશ્વર કુમારે 21 રનનું યોગદાન આપ્યું હતું. જાધવે અણનમ 23 રન નોંધાવ્યા હતા.
223 રનના લક્ષ્યાંકના જવાબમાં ભારતની શરૂઆત થોડી નિરાશાજનક રહી હતી. ભારતે 35 રનના સ્કોર પર શિખર ધવનની વિકેટ ગુમાવી દીધી હતી. જ્યારે સ્કોર 46 રનનો થયો ત્યારે અંબાતી રાયડૂ પણ આઉટ થઈ ગયો હતો. ધવને 14 બોલમાં 15 રન નોંધાવ્યા હતા જ્યારે રાયડુ બે રન નોંધાવીને આઉટ થયો હતો. ત્યારબાદ સુકાની રોહિત શર્માએ બાજી સંભાળી હતી પરંતુ તે અડધી સદીથી બે રન દૂર હતો ત્યારે આઉટ થઈ ગયો હતો. રોહિતે 55 બોલમાં ત્રણ બાઉન્ડ્રી અને ત્રણ સિક્સરની મદદથી 48 રનની ઈનિંગ્સ રમી હતી.
ભારત માટે દિનેશ કાર્તિક અને મહેન્દ્ર સિંહ ધોનીએ ચોથી વિકેટ માટે 54 રનની મહત્વની ભાગીદારી નોંધાવી હતી. આ બંને બેટ્સમેનોએ બાંગ્લાદેશી બોલર્સનો મક્કમતાથી સામનો કર્યો હતો. અંતે મહેમુદૂલ્લાહે કાર્તિકને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. કાર્તિકે 61 બોલામાં 37 રન નોંધાવ્યા હતા જેમાં એક બાઉન્ડ્રી અને એક સિક્સર સામેલ હતી. જ્યારે ધોની 36 રન નોંધાવીને આઉટ થયો હતો.