વાગરાના આંકોટ ગામે સરપંચ પદના ઉમેદવારના ઘરે ચોરી થી ચકચાર

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના આંકોટ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવારના ઘરે થી રોકડ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી થતા ચકચાર મચી ગઈ હતી.
વાગરાના આંકોટ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ રાજકીય માહોલ ગરમાયો છે. આંકોટ સરપંચ પદના ઉમેદવારના ઘરે મોડી રાત સુધી ચૂંટણી લક્ષી મિટિંગ ચાલી રહી હતી. અને મિટિંગ બાદ સૌ કોઈ નિંદર માણવા માટે ગયા હતા.
વહેલી સવારે હિંમતસિંહ ગોહિલ ઉઠતા તેઓએ તિજોરી ખુલ્લી જોતા તેમાં તપાસ કરી હતી, અને તિજોરીમાંથી રોકડ રૂપિયા 90,000, તથા એક સોનાનો હાર તેમજ 3 અછોડા અને ચાર સોનાની વીંટી મળીને લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હોવાનું માલુમ પડયુ હતુ.
બનાવ સંદર્ભે હિંમતસિંહે વાગરા પોલીસ મથકમાં જાણ કરીને ચોરી અંગે ફરિયાદ દર્જ કરાવી હતી, ચોરી ની ઘટનામાં કોઈ જાણ ભેદુનો હાથ હોવાની આશંકા પણ પોલીસ વ્યક્ત કરી રહી છે.