Connect Gujarat
Featured

તાઉટે વાવાઝોડુ : અમદાવાદ તરફ વધી રહયું છે આગળ, ઉત્તર ગુજરાતમાં પણ ખતરો

તાઉટે વાવાઝોડુ :  અમદાવાદ તરફ વધી રહયું છે આગળ, ઉત્તર ગુજરાતમાં પણ ખતરો
X

સૌરાષ્ટ્રમાં વિનાશ વેર્યા બાદ ટાઉટે વાવાઝોડું હવે રાજયના સૌથી મોટા શહેર અમદાવાદ તરફ આગળ વધી રહયું છે. અમે તમને વાવાઝોડાની પળેપળની ખબર આપતાં આવ્યાં છે અને આપતાં રહીશું. અમદાવાદ તથા ઉત્તર ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો મંડરાય રહયો છે. વહીવટીતંત્ર સાબદુ બની ગયું છે પણ રાહતના સમાચાર એ છે કે, વાવાઝોડાની ગતિ 170 કીમી પ્રતિ કલાકથી ઘટીને 100 કીમી પ્રતિ કલાકની આસપાસ આવી ચુકી છે. થોડા કલાકોમાં વાવાઝોડુ અમદાવાદને ધમરોળી નાંખશે.




અમરેલી અને બોટાદની વચ્ચે છે વાવાઝોડુ

વાવાઝોડાની છેલ્લી માહીતી મુજબ હાલમાં અમરેલી અને બોટાદની વચ્ચે વાવાઝોડું છે. વાવાઝોડાના પગલે અમદાવાદમાં 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. અમદાવાદ, બનાસકાઠાં, જામનગર, ભાવનગર અને જુનાગઢમાં ભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. મંગળવારની રાત સુધી વાવાઝોડાની અસર રહેશે તેમ હવામાન વિભાગ તરફથી જણાવાયું છે.


પાટણમાં લોકોને ઘરોમાં જ રહેવા કલેકટરની અપીલ

પાટણજિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા જિલ્લાના નાગરિકોને વાવાઝોડા દરમ્યાન પોતાના ઘરમાં જ રહેવા અપીલ કરવામાં આવી છે.તેમણે જણાવ્યું કે, અત્યારની પરિસ્થિતિ જોતાં વાવાઝોડું તાઉટે રાત્રે ૦૮ વાગે પાટણ જિલ્લામાંથી પસાર થવાની સંભાવના રહેલી છે. ચાણસ્મા, પાટણ, સરસ્વતી અને સિદ્ધપુર તાલુકાઓમાં તેની અસર વધુ રહેશે. જિલ્લામાં તે દરમ્યાન ૭૦ થી ૮૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. લોકોને અપીલ છે કે આ સમય દરમ્યાન લોકો પોતાના ઘરમાં જ રહે. કાચા મકાનમાં રહેતા લોકો સલામત જગ્યાએ સ્થળાંતર કરે. વિજળીના થાંભલા અને જર્જરિત ઈમારતની આસપાસ ન રહેવા પણ અપીલ કરવામાં આવી છે.


અમદાવાદ જિલ્લામાંથી લોકોનું કરાયું સ્થળાંતર

અમદાવાદ કલેકટર સંદિપ સાગલેના જણાવ્યા મુજબ આગામી પાંચથી આઠ કલાક અમદાવાદ જિલ્લા માટે મહત્વના છે. અમદાવાદના લોકોને અપીલ કે ઘરની બહાર ન નીકળે. ભારે પવન સાથે વરસાદ વરસવાની સંભાવના રહેલી છે. માંડલ, ધોલેરા, ધંધુકા, વિરમગામમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે.અમદાવાદમાં 2 NDRF ટીમ છે, ધોલેરા અને ધંધુકામાં સ્ટેન્ડ ટુ કરવામાં આવી છે.35 જેટલા શેલટર હોમની વ્યવસ્થા છે જેમાં લોકોને સ્થળાંતર કર્યા છે. કોવિડ હોસ્પિટલમાં તકલીફ ન પડે માટે PGVCL જાણ કરી છે.

Next Story