અંકલેશ્વર શહેર અને જીઆઇડીસીમાં બીજા નોરતે વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા

અંકલેશ્વર શહેરમાં નવરાત્રીના બીજા નોરતે વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ગરબાની રંગત જામી હતી. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આયોજિત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને માતાજીની આરાધના સાથે ગરબે ઘૂમીને નવરાત્રી પર્વની ઉજવણી કરી હતી.

અંકલેશ્વરના યોગી એસ્ટેટ ખાતે ખોડલધામ સમિતિ દ્વારા કાગવડના સહયોગથી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ જોડાયા હતા અને સંગીતના તાલે મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.

બીજી તરફ, અંકલેશ્વરના ગાર્ડન સિટી ખાતે પણ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં ખેલૈયાઓએ ઉત્સાહભેર ગરબા રમીને નવરાત્રીના પર્વની મજા માણી હતી.

અંકલેશ્વરની ઓ.એન.જી.સી. કોલોની ખાતે પણ ગરબા મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ ખેલૈયાઓએ ગરબાના તાલે ઝૂમીને નવરાત્રીની પરંપરાને જીવંત રાખી હતી.

આ ઉપરાંત, અંકલેશ્વર શહેરમાં ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત ગરબામાં પણ યુવાધન હિલોળે ચઢ્યું હતું. મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ ગરબા રમવા ઉમટી પડ્યાં હતાં અને સંગીતના તાલે ગરબાની રમઝટ બોલાવી હતી.