નાસીર નગર આવાસ વિવાદ વધુ વકર્યો
અસરગ્રસ્તોને નહીં મળે વૈકલ્પિક આવાસ
મનપાની સામાન્ય સભામાં દરખાસ્ત મંજુર
દબાણકર્તાઓને આવાસ આપવાની કોઈ નીતિ નથી
સામાન્ય સભામાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી બાદ હવે સામાન્ય સભામાં પણ નાસીર નગરના અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ ન ફાળવવાની દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી બાદ હવે સામાન્ય સભામાં પણ નાસીર નગરના અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ ન ફાળવવાની દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવી છે. જેને લઈને વિપક્ષે પાલિકાના શાસકો અને વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે.
સુરત શહેરના નાસીર નગરના અસરગ્રસ્ત પરિવારો માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, નાસીર નગરના અસરગ્રસ્તોને કોઈપણ પ્રકારના વૈકલ્પિક આવાસની ફાળવણી કરવામાં આવશે નહીં.
સ્ટેન્ડિંગ કમિટી બાદ સામાન્ય સભામાં રજૂ થયેલી આ દરખાસ્તમાં પાલિકાએ તર્ક રજૂ કર્યો છે કે, રોડ લાઈન દોરી કે જાહેર રસ્તા પર થયેલા દબાણો સામે વૈકલ્પિક આવાસ આપવાની પાલિકા કે રાજ્ય સરકાર પાસે કોઈ નીતિ જ નથી. નાસીર નગરની જગ્યા પર વર્ષ 1980માં લાઈન દોરી મંજૂર કરવામાં આવી હતી, ત્યારે આ જગ્યા સંપૂર્ણપણે ખુલ્લી હતી. ત્યારબાદ લોકોએ કમિશનરની કોઈપણ પૂર્વ પરવાનગી વગર અહીં ગેરકાયદેસર રીતે રહેવાનું શરૂ કર્યું હતું. નિયમ અનુસાર આ ગેરકાયદેસર હોવાથી કોઈ સહાય કે મકાન ફાળવી શકાય નહીં.
બીજી તરફ, સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટર અસદ જરીવાલાએ આ દરખાસ્તનો સખત વિરોધ નોંધાવ્યો હતો. તેમણે પાલિકા પર બેવડા ધોરણો અપનાવવાનો આરોપ લગાવતા કહ્યું કે, એક તરફ પાલિકાના અધિકારીઓ હાઈકોર્ટમાં આવાસ ફાળવવા બાબતે સોગંદનામું રજૂ કરી રહ્યા છે, તો બીજી તરફ શાસકો આવાસ ન આપવાની દરખાસ્ત લાવી રહ્યા છે.
