ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે શિક્ષક દિન નિમિત્તે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર શિક્ષકોને રાજ્યકક્ષાના ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’થી નવાજવામાં આવે છે. ચાલુ વર્ષે ૫મી સપ્ટેમ્બર ‘શિક્ષક દિન’ના પવિત્ર અવસરે ભરૂચ જિલ્લાનું નામ રોશન કરતા બે શ્રેષ્ઠ શિક્ષકોની રાજ્યકક્ષાના પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે.
જિલ્લાના શિક્ષણ જગતમાં ગૌરવની લાગણી પ્રસરી છે.AI-ટેક્નોલોજીથી શિક્ષણ આપતા હેતલબેન રાણા અને મૂક-બધિર બાળકો તેમજ અનાથ દીકરીઓને નિઃશુલ્ક ભણાવતા હિરેનકુમાર દિહેણીયાને ૫મી સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે સન્માનિત કરાશે.આગામી ૫મી સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે યોજાનાર રાજ્યકક્ષાના ભવ્ય સમારોહમાં માનનીય રાજ્યપાલ અને મુખ્યમંત્રીના વરદ હસ્તે પસંદગી પામેલ શિક્ષકોને પ્રશસ્તિપત્ર, રોકડ પુરસ્કાર અને મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવશે.
ભરૂચ જિલ્લાના 2 શિક્ષકોને શિક્ષક દિન નિમિત્તે રાજ્યકક્ષાએ સન્માનિત કરાશે, રાજ્યપાલના હસ્તે અપાશે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક
