સુરતમાં રાત્રિ દરમિયાન દોડતી ખાનગી લક્ઝરી બસો સામે RTO વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે.અને લાંબા સમયથી ટેક્સ ન ચૂકવનાર બસ સંચાલકો સામે RTO એ સ્પેશિયલ ડ્રાઈવ યોજીને કડક સપાટો બોલાવ્યો હતો.
સુરત શહેર અને સમગ્ર જિલ્લામાં RTO દ્વારા રાત્રિના સમયે દોડતી લક્ઝરી બસોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ખાસ સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન RTOના નિયમોનું ઉલ્લંઘન કરનાર અને પરમિટ તેમજ ટેક્સ ચૂકવવામાં બેદરકારી દાખવનાર 55 જેટલી લક્ઝરી બસો સામે ચલણ ઇશ્યુ કરવામાં આવ્યા છે.
માત્ર ચલણ જ નહીં, પરંતુ બાકી ટેક્સ ન ચૂકવીને સરકારને આર્થિક ચૂનો ચોપડતા 5 જેટલા બસ સંચાલકોની લક્ઝરી બસોને RTO દ્વારા સ્થળ પર જ ડિટેઇન કરી લેવામાં આવી છે.RTO ની આ આકસ્મિક કાર્યવાહીથી બસ સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ સમગ્ર સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન RTO વિભાગે વિવિધ ગુનાઓ, નિયમભંગ અને બાકી નીકળતા ટેક્સ પેટે કુલ રૂપિયા 8.40 લાખની રકમની વસુલાત કરી છે.
RTO અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ આવી સ્પેશિયલ ડ્રાઇવ ચાલુ રહેશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર કે ટેક્સ ચોરી કરનાર સંચાલકો સામે વધુ કડક પગલાં લેવામાં આવશે.
