અંકલેશ્વર જીઆઈડીસીમાં બન્યો હતો બનાવ

મોપેડ સવાર વિદ્યાર્થીનીઓ પર થયો હતો હુમલો

ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ આવ્યા હતા બહાર

પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ

શાળામાં થયેલ ઝઘડો રસ્તા પર પહોંચ્યો હતો

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં ટ્યુશને જઈ રહેલ 2 વિદ્યાર્થીનીઓને આંતરી માર મારવાના ગુનામાં પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલા ગાર્ડન સિટી રોડ પર ટ્યુશન જતી બે સગી બહેનોને કાર આડી રાખીને આંતરી ક્રિકેટના બેટ અને ચંપલ વડે બેરહેમીપૂર્વક માર મારવાની ઘટના સામે આવી હતી.આ સમગ્ર મામલામાં ચોંકાવનારા સીસીટીવી પણ બહાર આવ્યા હતા. ઘટનાને પગલે પોલીસે મુખ્ય સૂત્રધાર પિતા તથા તેની પત્નીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે.

હુમલામાં વપરાયેલી કાર અને ક્રિકેટનો બેટ પણ કબજે કરવામાં આવ્યા છે.પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સ્કૂલમાં કોઈક બાબતે વિદ્યાર્થીનીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ બાબતનો ઠપકો આપવા આરોપી પરિવાર સામેવાળાના ઘરે પહોંચ્યો હતો.દરમિયાન બંને સગી બહેનો મોપેડ પર ટ્યુશન જવા નીકળતાં આરોપી પરિવારે તેમનો પીછો કર્યો હતો. ગાર્ડન સિટી રોડ પર કાર આડી મૂકી બંને બહેનોને રોકી દેવામાં આવી હતી. ત્યારબાદ પિતાની ઉશ્કેરણીથી માતા, દાદી અને દીકરીએ ક્રિકેટના બેટ તથા ચંપલ વડે હુમલો કરી બંને બહેનોને ઈજાઓ પહોંચાડી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે મુખ્ય આરોપી ગુરુદેવ ઉર્ફે દેવ પ્રીતમ સિંગ જેસર અને તેની પત્ની ભાવના જેસલની ધરપકડ કરી છે. હુમલામાં વપરાયેલી ફોર-વ્હીલર કાર અને ક્રિકેટનો બેટ કબજે કરવામાં આવ્યા છે.