હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે સૈન્ય અને રાજદ્વારી તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, ઈરાની ગનબોટ દ્વારા કરવામાં આવેલા કથિત ગોળીબાર બાદ આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પરથી પસાર થઈ રહેલા અનેક જહાજોને સુરક્ષાના કારણોસર પાછા ફરવાની ફરજ પડી હતી.
ઈરાની મીડિયાના જણાવ્યા અનુસાર, આ ગોળીબારની ઘટનાને પગલે બે ભારતીય જહાજોએ પણ પોતાનો માર્ગ બદલીને પાછા ફરવું પડ્યું હતું. જોકે, રાહતના સમાચાર એ છે કે કોઈપણ ભારતીય જહાજને આ ઘટનામાં નુકસાન થયું નથી અને તેના પરના તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત હોવાનું સત્તાવાર રીતે સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
ભારતે ઈરાની રાજદૂતને કર્યા સમન્સ
હોર્મુઝની સામુદ્રધુનીમાં ભારતીય ધ્વજવાળા જહાજો સાથે બનેલી આ ઘટનાને ભારતે ગંભીરતાથી લીધી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત સરકારે આ મુદ્દે સ્પષ્ટતા માંગવા માટે ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યું છે અને દરિયાઈ સુરક્ષા અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી છે.
સુપરટેન્કર સહિતના જહાજોના માર્ગ બદલાયા
TankerTrackers.com ના રિપોર્ટ અનુસાર, ઈરાની નૌકાદળની આ હિલચાલ બાદ ભારતીય ધ્વજવાળા એક વિશાળ સુપરટેન્કર (VLCC) સહિત અનેક જહાજોએ તાત્કાલિક પોતાનો રૂટ બદલી નાખ્યો હતો. આ જહાજ અંદાજે બે મિલિયન બેરલ ઈરાકી ક્રૂડ ઓઈલનો જથ્થો વહન કરી રહ્યું હતું. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, યુએસ અને ઈરાન વચ્ચેની રાજદ્વારી વાટાઘાટોમાં કોઈ સ્પષ્ટ પરિણામ ન આવતા સર્જાયેલી અસમંજસની સ્થિતિને કારણે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કરોએ પાછા વળવાનો નિર્ણય લીધો હતો.
ઈરાની મીડિયાનો દાવો
ઈરાની મીડિયા આઉટલેટ ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બ્રોડકાસ્ટિંગ (IRIB) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પુષ્ટિ કરી છે કે ઈરાની નૌકાદળે બે ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પાછા વળવા અને પશ્ચિમ દિશા તરફ આગળ વધવા સૂચના આપી હતી. આ ઘટનાને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના પરિવહન અને દરિયાઈ સુરક્ષાને લઈને ફરી એકવાર મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે.
