• વાપી તાલુકાના વંકાછ ગામમાંથી કરુણ ઘટના સામે આવી

  • વંકાછ ગામમાં રહેત 6 મિત્રો ગયા હતા રાતા ખાડીમાં નાહવા

  • 2 યુવકોને તરતા ન આવડતું હોવાથી પાણીમાં ગરકાવ થયા

  • રાતા ખાડીમાં ડૂબી જતા 4 પૈકી 2 યુવકોના મોત નિપજ્યાં

  • પોલીસ-ફાયર બ્રિગેડએ સ્થળ પર પહોંચી કાર્યવહી હાથ ધરી 

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના વંકાછ ગામે રાતા ખાડીમાં 6 યુવકો નાહવા માટે ગયા હતા, જ્યાં 4 પૈકી 2 યુવકોનું પાણીમાં ડૂબી જતાં કરુણ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, વલસાડ જિલ્લાના વાપી તાલુકાના વંકાછ ગામમાં આવેલ કોળીવાડની દિનેશભાઈની ચાલીમાં રહેતા બલદેવસિંહ માનસિંઘ અને કમલસિંઘ મોહનસિંઘ સહિત 6 મિત્રો વંકાછ ચેકડેમ પર રાતા ખાડીમાં નાહવા ગયા હતા. જેમાં બલદેવસિંહ અને કમલસિંઘ નાહવા માટે નદીની વચ્ચે ગયા હતા, જ્યારે અન્ય 4 મિત્રો નદી કિનારે બેઠા હતા. આ દરમ્યાન બલદેવસિંહ અને કમલસિંઘને તરતા ન આવડતું હોવાથી તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા, ત્યારે કિનારે રહેલા મિત્રોએ તેમને ડૂબતા જોઈને સ્થાનિકોની મદદ માંગી હતી.

સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. તો બીજી તરફ, બનાવની જાણ થતાં જ વાપી ડુંગરા પોલીસ સહિત ફાયર બ્રિગેડની તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં ફાયર ફાઇટરો સહિત સ્થાનિક તરવૈયાઓ ખાડીમાં ડૂબેલા યુવકોની શોધખોળ હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ બલદેવસિંહ માનસિંઘ નામના યુવકનો મૃતદેહ શોધવામાં સફળતા મળી હતી.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યારે અન્ય યુવક કમલસિંઘ મોહનસિંઘની શોધખોળ યથાવત રાખવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.