ગુજરાત સરકારે રાજ્યમાં સ્પોર્ટસને પ્રોત્સાહન આપવા એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.રાજ્ય સરકાર અમદાવામાં કાંકરિયા પાસે આંતરરાષ્ટ્રીય સ્તરના ફૂટબોલ મેદાનનું નિર્માણ કરાવી રહી છે. 535 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આ સ્ટેડિયમનું 13 લાખ સ્કેવર ફુટમાં બાંધકામ કરવામાં આવશે. જેમાં 20 હજાર બેઠકોની ક્ષમતા હશે. તે સિવાય તેમાં રેસ્ટોરન્ટ, ક્લબ અને સ્વિમિંગ પુલ જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે.
આ સ્ટેડિયમમાં ખાસ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે જેના કારણે ફૂટબોલ સિવાય પણ અન્ય રમતોનું આયોજન થઇ શકશે. અહીં સ્પોર્ટસ એકેડમી પણ વિકસાવવામાં આવશે જેથી ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ આપી શકાય.
આ સ્ટેડિયમ માટે સરકારે એસઇ ટ્રાન્સ્ટેડિયા કંપની સાથે કરાર કર્યા છે. કરાર મુજબ સ્ટેડિયમનું સંચાલન કંપની કરશે. કંપની રાજ્ય સરકારને વર્ષે બે કરોડ અથવા આવકના 2 ટકા બેમાંથી જે વધુ હશે તે ચૂકવશે. જમીનથી 12 ફુટ ઉંચુ અને 7 માળનું આ સ્ટેડિયમ ઓગષ્ટ સુધી પૂર્ણ થઇ જશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
