વર્ષ 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધ બાદ 2 જુલાઇ, 1972ના રોજ ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો વચ્ચે શિમલા શાંતિ કરાર થયો હતો. આ સમયે પાકિસ્તાને સ્વતંત્ર બાંગ્લાદેશને રાજનૈતિક ઓળખ આપી હતી.

ભારતના શિમલા ખાતે કરવામાં આવેલા આ કરારમાં ભુટ્ટો અને ઇન્દિરા ગાંધી વચ્ચે એક મહત્વનો કરાર કાશ્મીર અંગે પણ થયો હતો. ભુટ્ટોએ કાશ્મીરમાં લાઇન ઓફ કંટ્રોલનો સ્વીકાર કરીને જણાવ્યું હતું કે તેનો ક્યારેય ઉલ્લંઘન કરવામાં નહી આવે પરંતુ તે સમયે તેમણે જણાવ્યું હતું કે હાલના સમયે આ બાબતને ઓફિશિયલી સ્વીકાર કરતા દેશમાં સમસ્યાઓ ઉભી થશે. ઇન્દિરા ગાંધીએ પણ ઉદાર મન રાખીને તેમના વચન પર વિશ્વાસ કર્યો હતો. તેથી, શિમલા કરારમાં કાશ્મીર મુદ્દાનો ઓફિશિયલી સમાવેશ કરવામાં આવ્યો નહતો. પરંતુ ત્યારબાદ દરેક પ્રસંગે પાકિસ્તાને શિમલા કરાર દરમિયાન કાશ્મીર અંગે આવું કોઇ વચન ન અપાયાનું રટણ ચાલુ રાખ્યું છે.

આ કરારના બીજો મહત્વનો મુદ્દો હતો કે બંને દેશોની સમસ્યાઓનું નિરાકરણ દ્વિપક્ષીય મંત્રણાઓ દ્વારા કરવામાં આવશે. તેમજ બંને દેશોની લાંબાગાળાની શાંતિ માટે બંને દેશો દ્વારા સહિયારો પ્રયત્ન કરવામાં આવશે.

આ કરાર કરીને ભારતે પાકિસ્તાનને યુદ્ધના 90,000 કેદીઓ પાછા આપ્યા હતા તેમજ પાકિસ્તાનનો કેટલોક જીતેલો પ્રદેશ પણ પાછો આપ્યો હતો. તે સમયે આ કરારનો ભારતમાં ઘણો વિરોધ થયો હતો. શિમલા કરાર બંને દેશોના સારા ભવિષ્ય માટે એક સારી શરૂઆત તરીકે ગણાવવામાં આવ્યો હતો. પરંતુ આ જ સુધી બંને દેશોના સંબંધોમાં કોઇ સુધાર આવ્યો નથી.