દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ડિસ્કાઉન્ટ અને સ્કીમની સીઝન શરૂ થઇ ગઈ છે. ઓછા ભાવે વસ્તુઓ મળી રહે તે માટે લોકો તહેવારના સમયે વસ્તુઓની ખરીદી કરતા હોય છે.

પરંતુ ઘણી વખત સસ્તાની લાલચમાં ડુપ્લીકેટ વસ્તુ મળી જાય તો નવાઈ નહિ. ત્યારે રાજકોટની ભક્તિનગર પોલીસે ડુપ્લીકેટ એલઇડી ટીવી સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે.

સમગ્ર દેશમાં ચાઈનીઝ બનાવટની વસ્તુઓ સામે વિરોધ થઇ રહ્યો છે. ત્યારે રાજકોટમાં 2 શખ્સો ચાઈનાની બનાવટના એલઇડી ટીવી સાથે ઝડપાયા છે. ભક્તિનગર પોલીસને એવી બાતમી મળી હતી કે આહીર ચોક પાસેથી 2 શખ્સો ડુપ્લીકેટ એલઇડી ટીવી સાથે પસાર થવાના છે. જેથી ભક્તિનગર પોલીસનો સ્ટાફ વોચમાં ગોઠવાઈ ગયા હતા અને ત્યાંથી યુટીલીટીમાં પસાર થતા રાજુ શેખ અને સંજય પરમારને ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને પાસેથી પોલીસે બિલ વિનાના ચાઈનીઝ બનાવટના રૂપિયા 6.60 લાખની કિંમતના 300 એલઇડી ટીવી અને યુટીલીટી મળી કુલ રૂપિયા 10.60 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે દિવાળીની સીઝનમાં ડિસ્કાઉન્ટ અને સ્કીમમાં ચીજ વસ્તુઓ મળતી હોય છે ત્યારે આ શખ્સો ચાઈનીઝ બનાવટના એલઇડી ટીવી અમદાવાદ થી લઇ આવ્યા હતા અને રાજકોટમાં સસ્તા ભાવે આ એલઇડી ટીવી વેચવાનો આ શખ્સોનો ઈરાદો હતો. પરંતુ હજુ આ શખ્સો રાજકોટના બજારોમાં આ ડુપ્લીકેટ એલઇડી ટીવીનું વેચાણ કરે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.

પોલીસે આ બંને શખ્સોની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધા છે અને ડુપ્લીકેટ એલઇડી ટીવી કબ્જે કર્યા છે. જોકે, આ ટીવી કઈ જગ્યાએથી ખરીદવામાં આવ્યા છે ? રાજકોટમાં કોને વેચવા માટે આ શખ્સો આવતા હતા. આ તમામ મુદ્દે પોલીસે ઝડપાયેલા બંને શખ્સોની સઘન પૂછપરછ શરૂ કરી છે.