ચાઇનીઝ એક્સપર્ટસના જણાવ્યા મુજબ ભારતે તેના દ્વિપક્ષીય વિવાદોને લઇને ટૂંક સમયમાં યોજાનાર બ્રિક્સ સંમેલનમાં કોઇ રાજનીતિ ન રમવી જોઇએ. તેમજ સભ્ય દેશો પાસેથી તે આશા ન કરવી જોઇએ કે તે પાકિસ્તાનને અલગ-થલગ કરી દે અને તેને આતંકવાદને સપોર્ટ કરનાર દેશ તરીકે જાહેર કરે.
ભારત અને પાકિસ્તાનનું નામ લીધા વિના શાંઘાઇ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના ફેલો લિ ઝોન્ગીએ જણાવ્યું હતું કે આ વર્ષે બ્રિક્સ સંમેલનમાં આતંવાદ વિરુદ્ધનો મુદ્દો મુખ્ય રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બ્રિક્સના બધા સભ્ય દેશો કોઇ દ્વિપક્ષીય વિવાદને વિવિધ પ્લેટફોર્મ પર રાજનીતિનો મુદ્દો બનાવવા નથી ઇચ્છતા.
ઝોન્ગીએ ગ્લોબલ ટાઇમ્સમાં લખ્યુ છે કે ઘણાં દાયકાઓથી ચાલી રહેલા કાશ્મીર વિવાદમાં બ્રિક્સના સભ્ય દેશો મધ્યસ્થી તરીકે ભાગ ભજવી શકે છે. પરંતુ કોઇ એકની સાઇડ લઇને બીજા દેશને આતંકવાદને સપોર્ટ કરનાર દેશ તરીકે જાહેર ન કરી શકે.
ઉલ્લેખનીય છે કે ચાઇનાએ પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદના ચીફ મસુદ અઝહરને યુએનમાં આતંકવાદી જાહેર કરવાના ભારતના પ્રયત્નોને અટકાવવાનો સંકેત આપ્યા બાદ આ આર્ટિકલ જાહેર કરવામાં આવ્યો છે.
