દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ગુરૂવારે સૈન્ય અને દેશની સુરક્ષા એજન્સીઓની જાસુસી કરી રહેલા એક પાકિસ્તાની રેકેટનો પર્દાફાશ કર્યો હતો.
આ મામલે એક તરફ પાકિસ્તાન હાઇ કમિશનમાં કામ કરી રહેલા એક કર્મચારીની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી જ્યારે બે ભારતીય નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી હતી.
આ રેકેટના તાર પાકિસ્તાની આર્મી અને દેશની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ સાથે જોડાયેલા છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાન હાઇ કમિશનના જે અધિકારીની અટકાયત કરાઇ હતી તેનું નામ મહમૂદ અખ્તર છે. જાણવા મળી રહ્યું છે કે તેની પાસેથી ભારતીય સૈન્ય સંબંધિત અતિ ગુપ્ત દસ્તાવેજ મળી આવ્યા છે.
અખ્તર સાથે પૂછપરછ બાદ દિલ્હી પોલીસે પત્રકાર પરિષદમાં આ અંગેની જાણકારી આપી હતી. પોલીસે જણાવ્યુ હતુ કે પાકિસ્તાનના આ જાસૂસે શરૂઆતમાં ભારતીય નાગરિક હોવાનું રટણ ચાલુ રાખતા બનાવટી આધારકાર્ડ પણ બતાવ્યુ હતુ. જોકે, પોલીસની કડક પૂછપરછ બાદ તેનો ભાંડો ફુટી ગયો હતો.
જ્યારે ધરપકડ કરાયેલા બે ભારતીય નાગરિકો રાજસ્થાનના નાગૌરના રહેવાસી છે. જેમાંથી એકનું નામ મૌલાના રમજાન જ્યારે બીજાનું સુભાષ ઝાંગીડ છે.
