તારીખ 13મી ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રીના હસ્તે વિધિવત રીતે હોસ્પિટલનું લોકાર્પણ કરાશે

અંકલેશ્વર જીઆઇડીસીમાં અત્યાધુનિક 100 બેડની રાજ્ય કામદાર વીમા નિગમ (ESIC)ની હોસ્પિટલમાં ઓપીડી સેવાઓના પ્રારંભ બાદ હવે લાભાર્થીઓ ને તમામ સેવાઓ નો લાભ મળશે.

રાજ્ય સભાના સાંસદ અહેમદ પટેલ ના પ્રયાસો થકી અંદાજિત 104 કરોડના ખર્ચે અંકલેશ્વર જીઆઈડીસીમાં ESIC હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યુ છે. આ હોસ્પિટલ માટે કામદાર નેતા ડિ.સી.સોલંકી દ્વારા હાઇકોર્ટ સુધી લડત આપીને કામદારો ના હિત માટે હોસ્પિટલ મંજુર કરાવી હતી. જોકે હોસ્પિટલ નિર્માણ થઈને ઉદ્દઘાટન ની રાહ જોઈ રહી હતી.ત્યારે ESIC ના અધિકારી ઓ તેમજ કામદાર નેતા ડિ.સી.સોલંકી, અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા વારંવારની રજૂઆતો બાદ ઓગષ્ટ-2016માં ESIC હોસ્પિટલમાં ઓપીડી સેવા શરુ કરવામાં આવી હતી.

હવે સાત મહિના ના સમય ગાળા બાદ ESIC હોસ્પિટલમાં તમામ સુવિધાઓનો લાભ 24 કલાક લાભાર્થીઓ ને મળી રહે તેવા પ્રયત્નો સાથે હોસ્પિટલને કાર્યરત કરવામાં આવી છે. તારીખ 13મી ફેબ્રુઆરી સોમવારના રોજ સવારે 10 કલાકે કેન્દ્રીય રાજ્ય શ્રમ અને રોજગાર મંત્રી બાન્દારુ દત્તાત્રેય, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત રાજ્ય સરકારના મંત્રી, ધારાસભ્યો, તેમજ ESICના અધિકારીઓની ઉપસ્થિતિમાં હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર ઉદ્દઘાટન પૂરતુ જ નહિ પરંતુ હોસ્પિટલ ખરા અર્થમાં લાભર્થીઓ માટે સેવામય બની રહે તેવા પ્રયત્નો પણ સરકાર દ્વારા કરવામાં આવે તેવી લાગણી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.